મનરેગા કૌભાંડમાં ભરૂચના ભાજપના સાંસદ મોટો ધડાકો: ગાંધીનગરવાળા દૂધે ધોયેલા નથી…
કોંગ્રેસે રાજ્યપાલને આવેદન પત્ર પાઠવી વિશેષ તપાસ સમિતિ બનાવવાની માંગ કરી

ભરૂચ/ગાંધીનગરઃ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં મનરેગા (મહાત્મા ગાંધી નેશનલ રુલર એમ્પલોયર્સ ગેરન્ટી)માં મસમોટું કૌભાંડ થયું હોવાનો ગંભીર આક્ષેપ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ લગાવ્યો હતો, આ મુદ્દે ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના ભરૂચથી સાંસદ મનસુખ વસાવાએ ઝંપલાવ્યું હતું.

તેમણે આ કૌભાંડમાં મોટો ધડાકો કરતા જણાવ્યું હતું કે કામ કરનારી એજન્સી દ્વારા વિવિધ પક્ષોના નેતાઓને રૂપિયા આપવામાં આવ્યા હતા, જેમાં વિપક્ષના નેતાઓનો પણ સમાવેશ થાય છે. કૌભાંડ આચરનારી એજન્સીના કેટલાક માણસો મને મળવા આવ્યા હતા. મેં રાજપીપળા ગેસ્ટ હાઉસમાં બોલાવીને જાહેરમાં મીટિંગ કરી હતી. આ મીટિંગ દરમિયાન એજન્સીના માણસોએ મને એક યાદી બતાવી હતી, જેમાં કૌભાંડના ભાગરૂપે દરેક પક્ષના નેતાઓને ચૂકવવામાં આવેલા રૂપિયાનો ઉલ્લેખ હતો.

મનસુખ વસાવાએ આક્ષેપ કરતા કહ્યું કે, “વિપક્ષના નેતાઓ જે આક્ષેપ કરી રહ્યા છે, તેમાંથી જ કેટલાક શાહુકાર બન્યા છે. વિપક્ષના નેતાઓએ પણ રૂપિયા લીધા છે.”આ ઉપરાંત ‘સ્વર્ણિમ’ નામની એજન્સીએ પણ મનરેગા હેઠળ કામો કર્યા છે.આ એજન્સીના કામોની પણ વિગતવાર તપાસ થવી જોઈએ. મનરેગા યોજના હેઠળ થયેલા કામોની દરેક જિલ્લામાં સી.આઈ.ડીની ટીમ દ્વારા તપાસ કરાવવામાં આવે.
આ કૌભાંડમાં ગાંધીનગર લેવલનું “સેટિંગ” થયું છે, જેમાં એજન્સીને કામ મળે ત્યાં સુધીનું આયોજન થયું છે. અધિકારીઓ, પદાધિકારીઓ સહિત તમામને ફંડ આપવામાં આવ્યું છે, અને આ મામલે ગાંધીનગરથી તપાસની શરૂઆત થવી જોઈએ. ”ગાંધીનગરવાળા દૂધે ધોયેલા નથી” અને “દીવા તળે અંધારુ છે એ જોતા નથી.”

આ કૌભાંડમાં બધાને ટકાવારી મળી છે, જેમાં દરેક પક્ષના લોકો, મંત્રીઓ, સચિવો અને અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. માત્ર ભરૂચ કે નર્મદા જ નહીં, પરંતુ આખા ગુજરાતમાં મનરેગાના કામોની તપાસ થવી જોઈએ. આ મામલે આપ (આમ આદમી પાર્ટી)ના સરપંચો અને પદાધિકારીઓના ક્ષેત્રમાં તપાસ થવી જોઈએ. સ્વર્ણિમ નામની એજન્સીની ખાસ તપાસ થવી જોઈએ.
મનરેગા અને નલ સે જલ યોજનામાં વ્યાપક કરોડોના કૌભાંડ થયા હોવાના આક્ષેપ સાથે આજે કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા અમિત ચાવડા અને ધારાસભ્યોએ ગુજરાતના રાજ્યપાલને આવેદનપત્ર આપ્યું હતું.
કોંગ્રેસે આ કૌભાંડોની તટસ્થ તપાસ માટે ન્યાયિક અને બંધારણીય હોદ્દા ધરાવતા લોકોની વિશેષ તપાસ સમિતિ બનાવવાની કૌભાંડમાં સંડોવાયેલા મંત્રી બચુભાઈ ખાબડને તાત્કાલિક અસરથી હટાવવા અને કૌભાંડીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
આ પણ વાંચો : ભરૂચ મનરેગા કૌભાંડમાં મોટી કાર્યવાહી: ૨૧ કરાર આધારિત કર્મચારી સસ્પેન્ડ, વધુ ૩ આરોપીઓની ધરપકડ!