વિધાનસભ્યએ સારા રસ્તા માટે 25 વર્ષની ગેરંટી આપી હતી, પણ ત્રણ મહિનામાં તો…
અમદાવાદઃ ગુજરાતમાં પડેલા વરસાદે ખેડૂતો અને જનતાને ભલે ખુશખુશાલ કરી દીધા હોય, પરંતુ ફરી એકવાર સ્થાનિક તંત્ર અને રાજ્ય સરકારના કારભારને છત્તો કર્યો છે. પોરબંદર જેવા શહેરી વિસ્તારમાં એકાદ અઠવાડિયા સુધી ઘુટણીયાભેર પાણી ભરાઈ ગયું તો કેટલાય ગામો આજે પણ વીજ અને સંપર્ક વિના છે. આ સાથે રોડ-રસ્તાની ખસ્તા હાલત તેમ જ રોગચાળો સ્થાનિક અને રાજ્ય સ્તરે તંત્રની સદંતર નિષ્ફળતા દર્શાવે છે.
રાજ્યમાં શહેરી હોય કે ગ્રામીણ વિસ્તાર રસ્તાઓ બીસ્માર હાલતમાં છે તે વાત નવી નથી. ત્યારે ભરૂચ જિલ્લાના એક રસ્તાને લીધે ભાજપ અને કૉંગ્રેસ સામસામે આવી ગયા છે. ત્રણેક મહિના પહેલા જ રૂ. 7 કરોડના ખર્ચે બનાવેલા આ રસ્તાના લોકાર્પણ વખતે ભાજપના વિધાનસભ્યએ દાવો કર્યો હતો કે આવનારા 25 વર્ષમાં આ રસ્તો આવો ને આવો જ રહેશે અને કોઈ ખાડ પડશે નહીં.
ભરૂચ જિલ્લાના આમોદમાં ત્રણ મહિના પહેલાં રૂ. 7.33 કરોડના ખર્ચે બનેલા બત્રીસી નાળાથી મુલ્લા તળાવ સુધીના રસ્તાનું જંબુસરના ભાજપના ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે લોકાર્પણ કરાયું હતું. ત્યારે તેમણે કહ્યું હતં કે આ રસ્તાની મજબૂતી એવી છે કે, આવનારાં 25 વર્ષ સુધી રસ્તાને કંઈ નહીં થાય, પરંતુ ત્રણ મહિનામાં જ આ રસ્તા પર ગાબડા પડવા લાગ્યા છે.
આ અંગે આમોદ શહેર કોંગ્રેસ પ્રમુખએ જણાવ્યું હતું કે, આ રસ્તાનું ત્રણ મહિના પહેલાં જ નવીનીકરણ કરાયું હતું અને તેમાં ગબાડા પડી ગયાં છે. રસ્તો બની રહ્યો હતો ત્યારે અમે પણ ગુણવત્તા બાબતે રજૂઆતો કરી હતી. નવા નક્કોર રસ્તાની પ્રથમ ચોમાસામાં જ પોલ ખુલ્લી પડી ગઈ છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ રસ્તાને પાંચ સ્તરમાં બનાવવામાં આવ્યો હતો. કાળી માટી કાઢીને પીળી માટી નાખવામાં આવી હોવા છતાં રસ્તો ધોવાઇ ગયો છે.
સુરતમાં પણ ખાડા રાજ
સુરતમાં લગભગ તમામ ઝોનની અંદર રસ્તાઓની સ્થિતિ ખરાબ થઈ રહી છે. શહેરના ઉધના દરવાજા, ભાઠેના, કતારગામ, પુણા, અડાજણ, રાંદેર, વરાછા સહિતના રસ્તાઓને લઈને સ્થાનિક લોકો પરેશાન થયા છે. ખાસ કરીને રસ્તાઓ તૂટેલી સ્થિતિમાં હોવાથી વાહનચાલકોમાં અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે. રસ્તા ઉપર પાણી ફરે તે સમયે નદીના દૃશ્યો સર્જાય છે, તેવી જ રીતે વાહનો જ્યારે આ રસ્તા ઉપરથી પસાર થાય છે, ત્યારે વાહનમાં બેઠેલા વ્યક્તિ હોડીમાં સવાર હોય તેવી અનુભૂતિ થઈ રહી છે.
બીજીતરફ રાજ્યમાં રોડ બનાવનાર એજન્સીઓ દ્વારા જ્યારે ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લઈને કામ મેળવવામાં આવે છે, ત્યારે કામની ગુણવત્તાને લઈને તમામ શરતો સ્વીકારવામાં આવતી હોય છે. પણ રસ્તાની ગુણવત્તા જળવાતી નથી તે જગજાહેર છે. લીંબડી-અમદાવાદ નેશનલ હાઇવે પર સુરેન્દ્રનગરના લીંબડી સર્કલ પાસે ઓવરબ્રિજ પર 10 ફૂટનું મસમોટું ગાબડું પડતાં બ્રિજની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો થઇ રહ્યા છે.
તાજેતરમાં જ મુખ્ય પ્રધાને રૂ.100 કરોડ જેવી માતબર રકમ રસ્તાના સમારકામ માટે ફાળવી છે, પરંતુ પ્રશ્ર્ન એ છે કે રસ્તો બનાવાય ત્યારે જ ગુણવત્તા કેમ નથી જળવાતી, જેથી સમારકામની જરૂર જ ન પડે.