રાજપીપળાની બોગસ Nursing College પર કાર્યવાહીની ધારાસભ્ય ચૈતર વસાવાની ઉગ્ર માગ

ડેડીયાપાડા : ગુજરાતના આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકારને કામલ ફાઉન્ડેશનની બોગસ નર્સિંગ કોલેજ (Nursing College)પર કાર્યવાહી કરવા રજૂઆત કરી છે. તેમજ જો સરકાર આ નર્સિંગ કોલેજ પર કાર્યવાહી કરવામાં નહિ આવે તો ધરણા પર બેસવાની ચીમકી પણ ઉચ્ચારી છે.
ગંભીર બેદરકારીઓ સામે આવી
તેમણે જણાવ્યું છે કે મારી રજૂઆત બાદ GMERSના તબીબી અધિક્ષકે તે નર્સિંગ કોલેજની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ રૂબરૂ મુલાકાતમાં ગંભીર બેદરકારીઓ સામે આવી હતી. તેમણે લેખિત જવાબમાં જણાવ્યું છે કે આ સંસ્થા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને ગુજરાત સરકાર અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અમદાવાદના નીતિ નિયમો અનુસાર માન્યતા પ્રાપ્ત નથી. જેથી આ સંસ્થા સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી સ્ટાફ નર્સની ભરતી માટે અમાન્ય છે. તેમજ અહીંના વિદ્યાર્થીઓ સ્કોલરશીપ માટે પણ પાત્રતા ધરાવતા નથી. તથા આ વિદ્યાર્થીઓ ખાનગી સંસ્થામાં સ્ટાફ નર્સ તરીકે પણ ફરજ બજાવવા માટે યોગ્યતા ધરાવતા નથી.
Also Read – Gujarat માં નગરપાલિકાઓની આર્થિક સ્થિતિ કફોડી, આટલા કરોડના વીજ-બિલની ચૂકવણી બાકી
વિદ્યાર્થીઓની રુપિયા 2,97,000 જેટલી ફી પણ કોલેજમાં જમા
જે છેલ્લા 20 વર્ષથી આ સંસ્થા ચાલી રહી છે અને અમારો સવાલ છે કે કોની રહેમ નજર હેઠળ આ બોગસ કોલેજ ચાલી રહી છે? આજે અમારી પાસે 150થી વધારે વિદ્યાર્થીઓ આવ્યા છે જેઓના ઓરીજનલ ડોક્યુમેન્ટ આ કોલેજમાં જમા છે. આ વિદ્યાર્થીઓની રુપિયા 2,97,000 જેટલી ફી પણ કોલેજમાં જમા છે. તેમ છતાં પણ કોઈપણ યુનિવર્સિટી કે કોલેજમાં આ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે બેસવા દેવામાં આવતા નથી. હવે પરિસ્થિતિ એવી છે કે આ વિદ્યાર્થીઓના ત્રણ વર્ષ બગડી ગયા છે. આ સિવાય તેઓને સ્કોલરશીપ પણ નહીં મળે અને સૌથી ગંભીર બાબત એ છે કે આ વિદ્યાર્થીઓને સરકારી ભરતીઓમાં પણ લાભ નહીં મળે.
Also Read – ગુજરાત સરકાર સફાળી જાગી! સાત હોસ્પિટલોને PM JAY યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવી
એક દિવસ ધરણા પર બેસવાની ચીમકી
છેલ્લા દસ દિવસથી અમે આ મુદ્દા પર ફરિયાદ દાખલ કરવા અને આ વિદ્યાર્થીઓને ન્યાય આપવા માટે માંગ કરી રહ્યા છીએ. પરંતુ ગુજરાત સરકાર કે નર્મદા વહીવટી જિલ્લા તંત્રનું પેટનું પાણી પણ નથી હલી રહ્યું. એટલા માટે એક દિવસ બાદ એટલે કે આ ગુરુવારે કલેકટર કચેરી ખાતે ધરણા પર બેસીશ. હું પોતે ધારાસભ્ય તરીકે આટલા પુરાવાઓ સાથે આટલી રજૂઆતો કરતા હોઈએ અને બીજી બાજુ કેટલાક નેતાઓ આ બોગસ કોલેજને બચાવવા માટે ષડયંત્ર રચી રહ્યા છે. જો તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી નથી થતી અને વિદ્યાર્થીઓને તેમના ઓરીજનલ ડોક્યુમેન્ટ અને લાખોને ફીસ પાછી નહી મળે તો અમે ધરણા પર બેસીશું.