આપણું ગુજરાતભુજ

ઈન્સ્ટા રીલના કારણે 20 દિવસથી લાપત્તા બાળકનો પરિવારથી ભેટો!

ભુજ: સોશિયલ મીડિયાની ખરાબ અસરોની વાતો થતી રહેતી હોય છે, પરંતુ કચ્છના એક બનાવમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામની મદદથી એક ગુમ થયેલા બાળકને શોધવામાં પોલીસને સફળતા મળી છે. ગાગોદર પોલીસે ઈન્સ્ટાગ્રામ રીલના આધારે 20 દિવસથી ભેદી સંજોગોમાં લાપત્તા બનેલા 13 વર્ષના કિશોર વયના બાળકને શોધી કાઢીને તેના વાલીને સુપ્રત કર્યો છે.

આ પણ વાંચો : કચ્છમાં ફરી ધરા ધ્રુજી: ભચાઉ નજીક 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો…

ગાગોદર પોલીસના જણાવ્યા અનુસાર, રાયમલ વાંઢમાં રહેનારા ઈશ્વર કોલીએ ગત 17 ઓક્ટોબરે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તેમનો 13 વર્ષનો પુત્ર અને તેમના ગામનો 18 વર્ષનો તુલસી નામનો યુવાન 1લી ઓક્ટોબરથી લાપત્તા બન્યા છે.

તેમના બીમાર પુત્રની સરકારી દવાખાને દવા લઈ ઘરે પરત ફરતી વખતે રસ્તા પર આવેલી મિત્રની ચાની હોટેલમાં પુત્રને બેસાડીને પોતે ખેતરે મજૂરી કરવા ગયો હતો. ત્યારબાદ આ ચાની હોટેલ પર આવેલો તુલસી કોલી તેમના પુત્રને હોટેલથી લઈ નીકળી ગયો ત્યારથી તેઓ ગુમ હોવાનું ફરિયાદમાં તેમણે ઉમેર્યું હતું.

બનાવને ગંભીરતાથી લઇ, તપાસમાં જોતરાયેલી પોલીસને બંને જણ ગાંધીધામ તરફ હોવાનો ઇનપુટ મળ્યો હતો. ગુમશુદા કિશોર ઈન્સ્ટાગ્રામ પર અવારનવાર રીલ્સ બનાવીને અપલોડ કરતો હોવાનું જાણવા મળ્યા બાદ પોલીસને એક ઈન્સ્ટા આઈડીમાં જોવા મળેલી રીલમાં તે ત્રણ માળની કોઈ ઈમારતની ઉપર હોવાનું અને નીચે ‘મુકેશ ગેસ્ટહાઉસ’ લખેલું પાટિયું હોવાનું જોવા મળ્યું હતું.

તુલસી અગાઉ ગાંધીધામની ઈલાઈટ હોટેલમાં નોકરી કરતો હતો અને આ રીલ હોટેલના ત્રીજા માળેથી જ રેકોર્ડ કરવામાં આવી હતી. પોલીસે ઈલાઈટ હોટેલમાં જઈ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે 1લી ઓક્ટોબરના રોજ તુલસી 13 વર્ષના કિશોરને લઈને એ હોટેલમાં નોકરી કરવા આવ્યો હતો પરંતુ કિશોરની વય નાની હોઈ તેને નોકરીએ રાખવાની હોટલ મેનેજમેન્ટ દ્વારા ના પાડી દેવામાં આવી હતી. બે દિવસ નોકરી કરીને તુલસી કિશોરને લઈ ટ્રેનમાં બેસી અમદાવાદ નરોડા પાટિયા લઈ ગયો હતો. અહીં એક હોટેલમાં અગાઉ તુલસીએ કામ કર્યું હતું જો કે, અહીંથી પણ નિરાશા સાંપડતા બંને જણ થાકી-હારીને ફરી ગાંધીધામ આવ્યાં હતાં.

આ પણ વાંચો : કચ્છમાં આ વર્ષની ‘દિવાળી’ બની રહેશે ‘ચૈત્રવાળી’

બંનેની હિલચાલને સતત ટ્રેક કરી રહેલી પોલીસે બંનેને ગાંધીધામ બસ સ્ટેશનથી દબોચી લઈ પરત તેમના વાલીઓને સુપરત કરી દીધાં હોવાનું અને તુલસી નામનો યુવક 13 વર્ષના કિશોરને નોકરી અપાવવાની લાલચે પોતાની સાથે લઇ ગયો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હોવાનું ગાગોદર પોલીસ મથકના પી.આઈ વી.એ. શેંગલે જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button