ગોવિંદા આલાઃ …અને બે મહિલાઓને આગની ઝપેટમાંથી ઉગારી

મીરા રોડ વિસ્તારના એક ફલેટમાં લાગેલી આગમાં અટવાયેલી બે મુસ્લિમ મહિલાઓને આ મકાન પાસેથી પસાર થતી ગોવિંદાની ટોળીના યુવાનોએ બચાવી લેવાની ઘટના જાણવા મળી છે.
મીરા રોડના ચંદ્રેશ લોઢા બિલ્ડિંગમા મીટર રુમમાં ગઈકાલે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આગના કારણે ધૂમાડાના ગોટેગોટા છવાયા હતા. તેમાં ફલેટ નંબર ૨૦૩માં બે મુસ્લિમ મહિલા અટવાઈ ગઈ હતી.
ધૂમાડાના ગોટેગોટાના કારણે આ મહિલાઓ બહાર નીકળી શકતી ન હતી. કેટલાક સ્થાનિક લોકોએ તેમને બચાવવા કોશિશ કરી હતી. દરમિયાન સદનસીબે આ સમયે જ આ બિલ્ડિંગ પાસેથી ગોવિંદાઓની ટોળી પસાર થતી હતી. ગોવિંદાઓએ આ બૂમાબૂમ સાંભળી હતી. તેઓ તરત જ કોઈ પરવા કર્યા વિના ફલેટમાં ધસી ગયા હતા અને પોતાના જીવના જોખમે બે મહિલાઓને બચાવી લઈ બહાર લઈ આવ્યા હતા.
ગોવિંદાઓ પીરામીડ રચી ઊંચાઈ સુધી પહોંચવામાં માહેર હોય છે. તેમણે અહીં પણ પોતાની આ આવડતનો માનવતા માટે ઉપયોગ કર્યો હતો. તેઓ ફટાફટ બિલ્ડિંગના બીજા માળે આવેલા ફલેટ સુધી પહોંચી ગયા હતા અને બારીની ગ્રીલ તોડી નાખી ફલેટમાં પ્રવેશ્યા હતા.
મજાની વાતો તો એ છે કે આ મહિલાઓને ઉગાર્યા બાદ તેઓ તરત જ ત્યાંથી રવાના થઈ ગયા હતા અને તેઓ કોણ છે વગેરે અંગે કોઈને કંઈ ખબર પડી ન હતી.
બાદમાં પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમે આગ બૂઝાવી હતી.
આ ગોવિંદાઓનાં સાહસ તથા માનવતાની સમગ્ર વિસ્તારમાં ભારે પ્રશંસા થઈ રહી છે.