રાજ્યમાં આગામી ચાર દિવસ કાળઝાળ ગરમી સાથે માવઠાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, જો કે હમણા અસહ્ય ગરમીથી રાહત મળે તેવી કોઈ શક્યતા નથી. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં તાપમાન વધે તેવી સંભાવના છે. તે ઉપરાંત રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આગાહી મુજબ આગામી ચાર દિવસ રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેશે. અગાઉ હવામાન વિભાગ દ્વારા 10 અને 11 એપ્રિલના રોજ ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતના ઉત્તર ભાગમાં અપ્રોચ કરી રહ્યું છે. એને કારણે 10 અને 11 એપ્રિલના બદલે હવે 12 અને 13 એપ્રિલના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છ તથા ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં હળવો વરસાદ વરસી શકે છે. 12 એપ્રિલના રોજ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં તથા છઠ્ઠા દિવસે એટલે કે 13 એપ્રિલના રોજ કચ્છના કેટલાક વિસ્તારોમાં તથા બનાસકાંઠામાં હળવા વરસાદની શક્યતા છે.
આ પણ વાંચો : ક્ષત્રિય સમાજના વિરોધ છતાં રૂપાલા 16 એપ્રિલના રોજ ભરશે ઉમેદવારી પત્ર
આગામી 24 કલાક દરમિયાન પણ અમદાવાદવાસીઓને ગરમીનો અનુભવ કરવો પડશે, કારણ કે હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરનું મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર એપ્રિલ મહિનાના ત્રીજા સપ્તાહથી ફરી એકવાર તાપમાનનો પારો ઊંચકાતાં ગરમી વધે એવી શક્યતા છે. એપ્રિલ મહિનાના ત્રીજા અને ચોથા સપ્તાહમાં મહત્તમ તાપમાનનો પારો મોટા ભાગના જિલ્લામાં 40 ડિગ્રીને પાર પહોંચશે. અમરેલી, ભરુચ, બોટાદ, જુનાગઢ, ખેડા, મોરબી,નર્મદા, રાજકોટ, સુરેન્દ્રનગર, તાપી સહિતના જિલ્લાઓમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.