
વલસાડ: ગુજરાતમાં ફરીવાર ડ્રગ્સનો કાળો કારોબાર ઝડપાયો છે. DRIના અધિકારીઓએ વાપી GIDCમાં આવેલી ખાનગી કંપની પ્રાઇમ પોલિમર્સમાં દરોડા પાડતા 121.75 કિલો જેટલું મેફેડ્રોન લિક્વિડ ફોર્મમાં કબ્જે કર્યું હતું. જેની કિંમત અંદાજે 180 કરોડ રૂપિયા જેટલી થવા જાય છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં કેમિકલના વેપારની આડમાં ડ્રગ્સની હેરાફેરીના ચોંકાવનારા કિસ્સા સામે આવી રહ્યા છે જેની સામે તંત્ર સતત એલર્ટ રહીને કામગીરી કરી રહ્યું છે. નવાઇની વાત એ છે કે ઔદ્યોગિક કંપનીઓ પોતાના રસાયણો બનાવવાના ધંધાની આડમાં ગેરકાયદે ડ્રગ્સની હેરાફેરીને પ્રોત્સાહન આપી રહ્યા છે. જેથી નશાનું નેટવર્ક વધુને વધુ ફેલાઇ રહ્યું છે.
ચોક્કસ બાતમીને આધારે DRIના અધિકારીઓએ કંપનીના સ્થળે દરોડા પાડ્યા હતા ઉપરાંત કંપનીના માલિકના ઘરે પણ તપાસ કરાતા ઘરમાંથી 18 લાખ રૂપિયાની રોકડ મળી આવી હતી. આ કાર્યવાહીમાં કંપનીના માલિક સહિત એકાઉન્ટન્ટ અને એક કારીગરની ધરપકડ કરવામાં આવી છે. તેમને આજે કોર્ટમાં પણ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં કોર્ટે તેમને 10 નવેમ્બર સુધી DRIની કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે.
આ અગાઉ 2 અઠવાડિયા પહેલા ડીઆરઆઇના અધિકારીઓએ મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં મેફેડ્રોન ડ્રગ્સના એક મેન્યુફેક્ચરિંગ યુનિટનો પર્દાફાશ કર્યો હતો. આ ઓપરેશનમાં રૂ. 400 કરોડથી વધુની કિંમતના માદક દ્રવ્યો જપ્ત કરવામાં આવ્યા હતા અને મેફેડ્રોનના ઉત્પાદન સાથે સંકળાયેલી બે લેબોરેટરીને પણ કબજે કરવામાં આવી હતી.