ખેલૈયાઓ ચેતજોઃ ફરી ગરબે રમતી યુવતીનું હાર્ટ એટેકથી મોત
આજથી નવરાત્રીનો પાવન પર્વ શરૂ થયુ છે. માતાની ભક્તિ સાથે યુવાનો માટે આ મન મૂકીને રાસે રમવાનો પણ અવસર છે, પરંતુ છેલ્લા થોડા સમયમાં બનતી ઘટનાઓ ચિંતા જગાવનારી છે. ખાસ કરીને હસતા રમતા યુવાનોના હાર્ટ એટેકને કારણે થતા મોત દુખદાયક છે. રાજ્યમાં હાર્ટ અટેકના કારણે મોતના અનેક કિસ્સા સામે આવી રહ્યાં છે. વડોદરાના પાદરા બાદ આજે મહેસાણામાં પણ હાર્ટ અટેકથી 22 વર્ષિય યુવતીએ જીવ ગુમાવ્યો. મહેસાણા દેદિયસનની આર.જે.સ્કૂલની 22 વર્ષીય શિક્ષિકા ગરબે રમીને ઘરે પરત ફરતી હતી તે સમયે હાર્ટ એટેક આવતા નિધન થયું છે.
ઉલ્લેખનિય છે કે, નવરાત્રિને લઇને સ્કૂલમાં શનિવારે પ્રિ નવરાત્રિ સેલિબ્રેશન હતું. ઋચિકા શાહ નામની શિક્ષિકા પણ આ સેલેબ્રશનમાં ગયા હતા અને ગરબે ઘૂમીની પરત ઘરે આવતા હતા ત્યારે અચાનક જ તેમને હાર્ટ અટેક આવી જતાં 22 વર્ષિય શિક્ષિકા ઋચિકા શાહનું નિધન થયું છે.
તો બીજી તરફ વડોદરના પાદરામાં યવકનું હાર્ટ અટેકના કારણે મોત થયું છે,. પાદરાની અરિહંત કોમ્પલેક્ષમાં યુવક અચાનક જ ઢળી પડ્યો હતો બાદ તેને તાબડતોબ હોસ્પિટલ લઇ જવાયો હતો. તબીબે હાર્ટ અટેકથી મોત થયાનો ખુલાસો કર્યો હતો. યુવકના અચાનક ઢળી પડવાની ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે.
રાજ્યમાં હાર્ટ એટેકના કેસોમાં સતત અને ઝડપી વધારો નોંધાઇ રહ્યો છે, રાજકોટમાંથી સામે આવેલી વિગતો અનુસાર, અહીં છેલ્લા અઠવાડિયામાં હ્રદય રોગના હુમલાના બનાવો 63ને પાર થઇ ગયા છે. આ આંકડો માત્ર ઓક્ટોબર મહિનાના પહેલા ચાર દિવસનો જ છે.
આ વાતની ગંભીરતાને ધ્યાનમાં લઈ મુંબઈ સમાચારે ખાસ અભિયાન ચલાવ્યું છે. સ્વસ્થ ખેલૈયા મસ્ત ખેલૈયા…આ પહેલને ગુજરાત અને મહારાષ્ટ્રની સરકારે બિરદાવી છે અને દરેક ગરબા આયોજકોને ગરબાસ્થળ પર એમ્બ્યુલન્સ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ રાખવાનો આદેશ કર્યો છે.
આ સાથે અમે ખેલૈયાઓને પણ અપીલ કરીએ છીએ કે જો તમારી તબિયત તમને પરવાનગી ન આપે તો ગરબા રમવાનું બંધ કરજો. થાક, માથાનો દુખાવો,ઉલટી જેવી સમસ્યા વર્તાય તો સહેજ પણ વિલંબ કર્યા વિના ડૉક્ટરની સલાહ લેજો.