સૌરાષ્ટ્રમાં મેઘમહેર: મેઘરાજાના આગમનથી વાવણીનું ભીમ અગિયારસનું મુહૂર્ત સચવાશે
રાજકોટ: રાજ્યમાં હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 72 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં આગામી સાત દિવસ સુધી વરસાદ પાડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જો કે હાલ સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં પડેલા વરસાદને જોતાં ખેડૂતોમાં ભીમ અગિયારસના સમયે જ વાવણી થાય તેવી આશા સેવી રહ્યા છે.
ગઇકાલે અમરેલી અને ગીરસોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. ત્યારે આજે અમરેલી જિલ્લાના સાવર કુંડલામાં પણ વરસાદ પડ્યો હતો. સાવર કુંડલા પાસેના વિજપડી, ઘાંડલા, રામગઢ, લુવારામાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે. સવારથી પડી રહેલી આકરી ગરમી બાદ વરસાદ પડતાં લોકોને રાહત મળી હતી. અમરેલીના દૂધાળા ગામે પણ ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. સાથે જ રાજુલા શહેર અને તાલુકાના મોટા આગરિયા, માંડરડી સહિતના ગામોમાં વરસાદ નોંધાયો હતો.
આ પણ વાંચો : વરસાદ પહેલા વરસાદી આફતઃ વડોદરા-ભરૂચમાં ચારના મોત
સાથે જ અમરેલીના ખાંભાના તાતણિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો. ભાવનગર જિલ્લાના પણ મહુવા તાલુકામાં ગામોમાં વરસાદ નોંધાયો છે. જુનાગઢના વિસાવદર સહિતના પંથકમાં પર વરસાદ નોંધાયો છે.
આજે સવારથી ભારે ઉકળાટ બાદ રાજકોટના જેતપુર, ગોંડલ સહિતના તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેતપુર શહેરના વિવિધ ભાગો સહિત તાલુકાના મેવાસા, કેરાળી, રબારીકા, જાંબુડી, વિરપુર સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. ગઇકાલે ગોંડલના વાસાવડમાં પણ ભારે વરસાદ પડ્યો હતો.
સાથે જ હવામાન વિભાગે પણ આગામી સાત દિવસ સુધી ગુજરાત માટે વરસાદની આઘ કરવામાં આવે છે. હાલ ચોમાસું ગુજરાતથી માત્ર 10 કિમી જેટલું દૂર છે. હવે આગામી 48 કલાકમાં ચોમાસું ગુજરાતમાં વિધિવત રીતે પ્રવેશ કરશે. આગામી 11મી ના રોજ સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર-હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે.
જો કે 12 મી જૂને નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર-હવેલી, અમરેલી અને ભાવનગરમાં વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.