ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ (રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) દ્વિતીય સુધારા વિધેયક -૨૦૨૫ | મુંબઈ સમાચાર
આપણું ગુજરાત

ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ (રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) દ્વિતીય સુધારા વિધેયક -૨૦૨૫

ગાંધીનગરઃ આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે આજે વિધાનસભા ગૃહમાં “ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ (રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) દ્વિતીય સુધારા વિધેયક -૨૦૨૫” રજૂ કર્યું હતું. આ સુધારા વિધેયક સર્વાનુમતે ગૃહમાં પસાર કરાયું હતું. તેમણે ઋષિકેશ પટેલે આ સુધારા વિધેયકના મુખ્ય ઉદ્દેશ અને જોગવાઈઓ સંદર્ભે જણાવ્યું હતું કે, રાજ્યમાં નાના ક્લિનીક થી લઇ મોટી મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ , લેબોરેટરી અને ઇમેજીંગ સેન્ટર્સ સહિતની તમામ આરોગ્ય સંસ્થાઓ,તેમજ આ સંસ્થાઓમાં કામ કરતા મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફની વિગતો , તેમાં ઉપલ્બધ બેડ, ICU, ઇમરજન્સી સેવાઓ વિગેરેની સચોટ માહિતી મળી રહે તે ઉદ્દેશથી રાજય સરકારે તા.૧૩/૯/૨૦૨૨ ના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરીને “ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ (રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) એક્ટ-૨૦૨૧ સમગ્ર રાજયમાં અમલમાં મૂકેલ છે.

તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં કંઇ હોસ્પિટલ કયા પ્રકારની સેવા આપી રહી છે, હોસ્પિટલમાં કે ક્લિનિકમાં કયા કયા પ્રકારની સુવિધાઓ, સાધનો, કઇ સ્પેશ્યાલિટીના તબીબો છે તેનું ડેટા મેનેજમેન્ટ અને નિયમન કરીને ડિજીટલી રજીસ્ટ્રી પ્રજાલક્ષી પોલિસી બનાવવા અને આપત્તિ સમયે કારગત સાબિત થશે.

આ પણ વાંચો: 9.92 કરોડ રૂપિયાના ખર્ચે સાણંદમાં બન્યું ન્યાય મંદિર, કાયદા પ્રધાન ઋષિકેશ પટેલે કર્યું લોકાર્પણ

આ એક્ટ હેઠળ માન્યતા પ્રાપ્ત ચિકિત્સા પધ્ધતિ દ્વારા માંદગી, ઇજા, શારીરિક ખોડ, વિકૃતિ અથવા સગર્ભાવસ્થા માટે નિદાન, સારવાર અથવા સંભાળ રાખવા માટેની જરૂરી સેવાઓ, સુવિધાઓ પૂરી પાડતા હોય તેવી હોસ્પિટલ, પ્રસુતિગૃહ, નર્સિંગ હોમ, ડીસ્પેન્સરી, કલીનીક, સેનીટોરીયમ, આ ઉપરાંત લેબોરેટરી, તબીબી સાધનોની મદદથી જ્યાં પેથોલોજીકલ, બેકટેરીયોલોજીકલ, જીનેટીક, રેડીયોલોજીકલ, કેમીકલ, બાયોલોજીકલ તપાસ અથવા તપાસ વિષયક સેવાઓ આપવામા આવતી હોય તેવી સંસ્થાઓનો સમાવેશ કરાયો છે.

હાલ રાજ્યમાં ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ-૨૦૨૧ અંતર્ગત તમામ આરોગ્ય સંસ્થાઓએ તા. ૧૨-૦૯-૨૦૨૫ સુધી રજીસ્ટ્રેશન કરાવવાનું હતું. આજે આ સુધારા વિધેયક પસાર થતા નોટીફિકેશન દ્રારા રાજ્યની આરોગ્ય સંસ્થાઓને કામચલાઉ રજીસ્ટ્રેશન માટેની અરજી કરવા માટેનો સમય ૭ માસ એટલે કે તા.૩૦-૦૪-૨૦૨૬ સુધી વધારવામાં આવશે.

આ પણ વાંચો: PMFBY: ઋષિકેશ પટેલે ગુજરાતમાં લાગુ નથી એ યોજનાની પ્રશંસા કરી, કોંગ્રેસે આવો જવાબ આપ્યો

અત્રે ઉલ્લેખનીય છે કે, ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ-૨૦૨૧ તા.૧૩/૯/૨૦૨૨ થી રાજયમાં અમલમાં આવેલ છે. આ કાયદા હેઠળના નિયમો તા.૨૬/૯/૨૦૨૨ થી અમલમાં આવ્યો છે. કાયદા હેઠળના સુધારા નિયમો એટલે કે તબીબી સંસ્થાઓ માટેના સ્ટાન્ડર્ડસ તા.૧૩/૩/૨૦૨૪ થી અમલમાં આવ્યા છે. કાયદાની જોગવાઇઓના ઉલ્લંઘન બદલ દંડાત્મક જોગવાઇઓ છે. જે પ્રમાણે કાયદા કે નિયમોની કોઇ જોગવાઇના ભંગના કિસ્સામાં રૂ. ૧૦ હજાર થી રૂ. ૧ લાખ સુધીના દંડની જોગવાઇ, રજીસ્ટ્રેશન વગર ક્લિનિક ચલાવવાના કિસ્સામાં રૂ. ૨૫ હજાર થી લઇ રૂ. ૧ લાખ સુધીના દંડની જોગવાઇ અને અધિકૃત વ્યક્તિ / ઓથોરીટીના નિર્દેશોનું પાલન ન કરવાના / માહિતી આપવાના ઇન્કાર કરવા વિગેરે કિસ્સામાં રૂ. ૫ લાખ સુધીના દંડની જોગવાઇ છે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button