₹ ૫માં ભોજન: શ્રમિક અન્નપૂર્ણા યોજનાના વધુ ૧૫૫ કેન્દ્રોનું લોકાર્પણ ગુજરાતના મુખ્ય પ્રધાન કરશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત રાજ્યભરમાં વધુ ૧૫૫ ભોજનકેન્દ્રોનું લોકાર્પણ આગામી તા.૧૦ નવેમ્બરના રોજ પંડિત દીનદયાલ ઉપાધ્યાય હોલ, અમદાવાદ ખાતે આયોજિત રાજ્યકક્ષાના કાર્યક્રમમાં કરવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત મુખ્યપ્રધાન અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ કડિયાનાકા ખાતે શરૂ થનારા ભોજન કેન્દ્રની પણ મુલાકાત લેશે. નવા શરૂ થનારાં કુલ ૧૫૫ ભોજન કેન્દ્રો પૈકી અમદાવાદમાં ૪૯ જેટલાં ભોજન કેન્દ્રોનો સમાવેશ
થાય છે.
શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ ફક્ત રૂ. પાંચમાં બાંધકામ શ્રમિક તથા તેમના પરિવાર જનોને પૌષ્ટિક ભોજન પૂરું પાડવામાં આવે છે. ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ અમદાવાદમાં ૪૯, સુરતમાં ૨૨, ગાંધીનગરમાં ૮, વડોદરામાં ૯, ભાવનગરમાં ૨, જામનગરમાં ૧૦, ભરૂચમાં ૩, મહેસાણા, રાજકોટમાં ૫-૫, ખેડા, આણંદ, વલસાડ, સાબરકાંઠામાં ૪-૪, પાટણ, બનાસકાંઠામાં ૭-૭, નવસારી, મોરબીમાં ૬-૬ કડીયા નાકાઓ પર ભોજન કેન્દ્રોનું લોકાર્પણ થનાર છે. આ સ્થાયી કેન્દ્રો ઉપરાંત જે બાંધકામ સાઈટ પર ૫૦થી વધુ શ્રમિકો આ યોજનાનો લાભ મેળવવા માગતા હોય તેમને ડોરસ્ટેપ ડિલિવરીની પણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે. ઉક્ત ૧૭ જિલ્લામાં ૧૫૫ કડિયાનાકા મારફત દરરોજ ૭૫ હજાર કરતાં વધુ શ્રમિકોને યોજનાનો લાભ મળવાનો અંદાજ છે.
શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત માત્ર રૂ. પાંચમાં શ્રમિક તથા તેના પરિવારને પોષ્ટિક ભોજન આપવામાં આવે છે. જેમાં રોટલી, શાક, કઠોળ, ભાત, અથાણું, મરચા અને ગોળનો સમાવેશ થાય છે. વધુમાં સપ્તાહમાં એક વાર સુખડી જેવા મિષ્ટાન્નનો પણ સમાવેશ કરવામાં આવે છે.