અગ્નિકાંડ પર મૌનવ્રત ધારણ કરનાર મેયર ચાલ્યા બ્રાઝિલના પ્રવાસે

રાજકોટ: રાજકોટમાં 26 મેના રોજ સર્જાયેલ દુર્ઘટનામાં 27 જેટલા લોકોનો ભોગ લેવાયો છે. હાલ સમગ્ર મામલે રાજ્ય સરકાર દ્વારા નિમાયેલી SIT તપાસ કરી રહી છે. અત્યાર સુધીમાં અનેક અધિકારીઓ સહિત આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે મનપાની અનેક બેદારકારીઓ સામે આવી છે પરંતુ તેમ છતાં આ ઘટનાને હજુ એક મહિનો નથી થયો ત્યાં રાજકોટ મહાનગર પાલિકાના મેયર નયનાબેન પેઢડિયા (Rajkot Mayor Naynaben Pedhdiya) આગામી પાંચ દિવસ બ્રાઝીલના (Brazil) પ્રવાસે જઈ રહ્યા છે.

રાજકોટના મેયર નયનાબેન પેઢડિયાને સાઉથ એશિયામાં કાર્યરત ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ઇક્લિ દ્વારા ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું અને તેને લઈને ઇક્લિ સંસ્થા દ્વારા બ્રાઝિલમાં યોજાનાર પાંચ દિવસીય કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેવા માટે બ્રાઝિલ જવાના છે. આગામી 17 જૂનથી 22 તારીખ સુધી બ્રાઝિલમાં યોજાનાર કોન્ફરન્સમાં જવાના છે.
હાલ ગેમઝોન અગ્નિકાંડને લઈને સીટ તપાસ કરી રહી છે અને તેમાં પણ મનપાના પદાધિકારી અને અધિકારી બંને પક્ષે અનેક બેદરકારીઓ સામે આવી છે. આ દરમિયાન હાઇકોર્ટમાં પણ સુમોઓટો પર સુનાવણી થઈ રહી છે અને ત્યાં પણ રાજકોટ મનપાની ઘોર બેદરકારીઓ સામે કોર્ટ લાલધુમ થઈ ચૂકી છે. રાજકોટમાં એકબાજુ મૃતદેહો સિવિલમાં પડ્યા હતા ત્યારે મનપા કચેરીએ નકલી દસ્તાવેજો બની રહ્યા હતા. આ સમગ્ર ઘટનાક્રમની વચ્ચે રાજકોટના મેયર બ્રાઝિલ પ્રવાસે જવાની તૈયારીમાં છે.