માવઠાના નુકસાનનો સર્વે પૂર્ણ – આગામી સમયમાં આશરે 27 કરોડની સહાય ચૂકવાશે
ગાંધીનગર : રાજ્યમાં મે મહિનામાં થયેલ કમોસમી વરસાદના પગલે ખેતીપાકોમાં થયેલ નુકસાન અંગેનો સર્વે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો અને જે હવે પૂર્ણ થઈ ચૂક્યો છે. મે મહિનાના કમોસમી વરસાદને કારણે સુરત, નર્મદા અને વલસાડ જિલ્લામાં તેમજ મધ્ય અને ઉત્તર ગુજરાતનાં અન્ય જિલ્લાઓમાં આ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ કૃષિ વિભાગને સોંપી દેવામાં આવ્યો છે, હવે આગામી સમયમાં ગુજરાત સરકાર 27050 કરોડથી વધુની સહાય ખેડૂતોને ચૂકવશે.
કમોસમી વરસાદ બાદ કૃષિ વિભાગે સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ખેડા સહિત જિલ્લામાં સર્વેની કામગીરી હાથ ધરી હતી. કૃષિ વિભાગના સર્વે અનુસાર રાજ્યના 7 જિલ્લામાં 16,177 હેક્ટર વિસ્તારમાં અને 10,943 ખેડૂતોને કમોસમી વરસાદથી નુકસાન થયું હોવાની વિગતો સામે આવી છે. સર્વે બાદ હવે રાજ્યના ખેડૂતોને 27.50 કરોડથી વધુની સહાય આગામી સમયમાં રાજ્ય સરકાર SDRFના નિયમો અનુસાર ચૂકવશે.
બાગાયતીમાં સૌથી વધુ નુકસાન :
રાજ્યમાં કુલ 11.49 લાખ હેકર વિસ્તારમાં કરવામાં આવેલ ઉનાળુ પાકના વાવેતરને નુકસાન થયું હતું. જેમાંથી 12 જિલ્લાના 8.23 લાખ હેક્ટર વિસ્તારમાં ડાંગર, બાજરી, મગ, મગફળી અને તલ જેવા પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું. જો કે ઉનાળાના અંતના ગાળામાં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઇ ગયો હતો. આ વરસાદથી વલસાડ જિલ્લામાં કેરીનાં પાકને સૌથી વધુ નુકસાન થયું છે. વલસાડ જિલ્લાનમાં 73.31 હેક્ટરનો અસરગ્રસ્ત વિસ્તારમાં સમાવેશ થાય છે. સુરત જિલ્લામાં 5887.40 હેક્ટર વિસ્તારમાં પાકને નુકસાન થયું છે. જ્યારે નર્મદા જિલ્લામાં 1479 હેક્ટર વિસ્તારને નુકસાન થયું છે.