આજે એક દિવસ ભલે માતૃભાષાના ગૂણગાન ગાઈએ, પણ આ હકીકત ડંખ દઈ દે તેવી છે…

અમદાવાદઃ આજે માતૃભાષા દિવસ છે. વિવિધ ભાષાઓથી સમૃદ્ધ એવા ભારત માટે આ વિશેષ મહત્વ ધરાવતો દિવસ છે. આપણે માતૃભાષાને માતાનો દરજ્જો આપ્યો છે અને ભાષા સાથે આપણી સંસકૃતિ જોડાયેલી છે. આજે ભાષાદિવસ છે એટલે એક દિવસ આપણે ગુજરાતીને કે જેની જે ભાષા હોય તેને બહુ લાડ લડાવીશું, પણ હકીકત ઘણી અલગ છે. ભાષાને લાંબો સમય જીવંત રાખવા માટે જરૂરી છે કે તે પેઢી દર પેઢી બોલાતી, લખાતી અને વંચાતી રહે, પરંતુ આ અઘરું બની રહ્યું છે કારણ કે આજની પેઢી ભાષામાં ભણતી જ નથી.
Also read : Gujarat માં વહીવટી સુધારણા પંચની રચનાની જાહેરાત
આંકડાઓ કહે છે કે અંગ્રેજી માધ્યમના આક્રમણ સામે ગુજરાતી ભાષામાં થતાં ભણતરને ટકાવી રાખવુ અઘરું બન્યું છે. ગુજરાત બોર્ડના આંકડા મુજબ વર્ષ 2014ના વર્ષમાં ધો. 10માં ગુજરાતી માધ્યમના વિદ્યાર્થી 9,75,892 હતા તે વર્ષ 2024ના વર્ષમાં ઘટીને 5,90,264 થઇ ગયા છે.
જ્યારે વર્ષ 2014ના વર્ષમાં ધો. 10માં અંગ્રેજી માધ્યમમાં કુલ વિદ્યાર્થી 48,351 હતા તે 2024ના વર્ષમાં વધીને 94,020 થઇ ગયા છે. આમ, ગુજરાત બોર્ડમાં તો માતૃભાષામાં શિક્ષણની તુલનામાં અંગ્રેજી માધ્યમનો દબદબો વધી રહ્યો છે તે હકીકત છે.
છેલ્લા પાંચ વર્ષની વાત કરીએ તો ગુજરાતી માધ્યમમાં 1.12 લાખ વિદ્યાર્થી ઘટ્યા છે. અંગ્રેજી માધ્યમના ક્રેઝને કારણે ધોરણ 10માં છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતી માધ્યમમાં 1.12 લાખ વિદ્યાર્થી ઘટ્યા છે. 2020માં ધો.10માં 7.02 લાખ વિદ્યાર્થી ગુજરાતી માધ્યમમાં નોંધાયા હતા, જે 2024માં ઘટીને 5.90 લાખ થઇ ગયા છે.
માત્ર એક આનંદની વાત એ છે કે વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી થઈ છે પરંતુ બીજી બાજુ ધો.10નું ગુજરાતી માધ્યમનું પરિણામ સારું આવી રહ્યું છે. પાસ થનારા વિદ્યાર્થીઓની ટકાવારીમાં વધારો થયો છે. વધ્યું છે. વર્ષ 2020માં ગુજરાતી માધ્યમનું ધો.10નું પરિણામ 57.54 ટકા રહ્યું હતું જે વર્ષ 2024માં આશરે 23 ટકા વધીને 81.17 ટકા થયું છે.
જોકે ગુજરાતમાં પણ ગુજરાતીમાં નાપાસ થતાં વિદ્યાર્થીઓની સંખ્યા ચિંતા કરનારી છે. પાંચેક વર્ષ પહેલા એક લાખ વિદ્યાર્થીઓ 10માં ધોરણમાં ગુજરાતીમાં નાપાસ થયા હતા.
સરકાર ગમે તેટલી નીતિઓ બનાવે, પરંતુ જ્યાં સુધી ગુજરાતી માધ્યમોની સ્કૂલો સુવિધાઓથી સજજ નહીં હોય, શિક્ષકોને નિષ્ઠાથી ભણાવવાની દરકાર નહીં અને ખાસ કરીને માતા-પિતાનો બાળકને અંગ્રેજી માધ્યમમાં મૂકવાનો મોહ નહીં જાય ત્યાં સુધી ગુજરાતી માધ્યમમાં શિક્ષણ અઘરો વિષય બની રહેશે. જોકે ગુજરાતી માધ્યમમાં ભણતા બાળકો પણ સફળતાના શિખરો સર કરી રહ્યા છે, તે વાતમાં બેમત નથી, પરંતુ માતા-પિતા હજુ પણ અંગ્રેજી માધ્યમના મોહમાંથી બહાર આવી શકતા નથી.
Also read : Gujarat ના બજેટમાં પેન્શનરોને મળી મોટી રાહત, હવે હયાતીની ખરાઈ માટે ધક્કા નહિ ખાવા પડે
અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાં ભણતા બાળકો યોગ્ય શિક્ષણના અભાવે સારુ અંગ્રેજી કે સારું ગુજરાતી બોલી શકતા નથી અને કારકિર્દીમાં મુશ્કેલીઓનો સામનો કરે છે. આ ગંભીર વિષયને ખૂબ જ ગંભીરતાથી લેવાની જરૂર છે.