નોરતા પર્વને લઈને માતાના મઢ ખાતે તડામાર તૈયારીઓ: ઉમટશે ભાવિકોનું ઘોડાપૂર…

માતાનો મઢ: ગુજરાતના સૌથી મોટા આસ્થાના પર્વ નવરાત્રિને લઈને હવે બસ ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે શક્તિપીઠો અને મોટા દેવી મંદિરોમાં નોરતાને લઈને તૈયારીઓ થઈ રહી છે. નોરતાને લઈને માઈભક્તોમાં પણ ખૂબ જ ઉલ્લાસ અને આસ્થા જોવા મળી રહ્યો છે. નોરતાના પર્વ પર કચ્છની દેશદેવી માં આશાપુરા મંદિર માતાના મઢ ખાતે મોટી સંખ્યામાં ભક્તો ઉમટે છે. ત્યારે મંદિર વહીવટી તંત્ર દ્વારા પણ તૈયારીઓ કરવામાં આવી છે.

આગામી 3 ઓકટોબરથી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે માતાના મઢ આશાપુરા મંદિર ખાતે ભાદરવા વદ અમાસની તારીખ 2 ઓક્ટોબરના ઘટસ્થાપનની ધાર્મિક વિધિ કરવામાં આવશે. નોરતાને લઈને તૈયારીઓ તથા યાત્રિકો માટેની તૈયારીઓને લઈને મંદિરમાં બેઠક યોજવામાં આવી છે. નવરાત્રીને લઈને યાત્રિકો સહિતની તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
આશાપુરા માતાજીના સ્થાનક માતાના મઢમાં પરંપરાગત ઉજવાતા આસો નવરાત્રી પર્વ પર યાત્રાએ આવનારા યાત્રિકોને કોઈ અગવડ ન પડે તે માટે જાગીર ટ્રસ્ટ તેમજ વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામા આવી છે. નવરાત્રીના પર્વ દરમિયાન વીજ પુરવઠો પૂરતા પ્રમાણમાં જળવાઈ રહે તે માટે વીજ તંત્ર દ્વારા અન્ડર ગ્રાઉન્ડ વિજ લાઈનની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.

જો કે બીજી તરફ હાલ મંદિર પરિસરમાં વિકાસલક્ષી કામો ચાલી રહ્યા છે તેને પણ ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહ્યા છે. આ વર્ષે દર્શનાર્થી ભાવિકો મંદિરના ચાર નંબરના ગેટમાંથી પ્રવેશ મેળવી અને માતાજીના દર્શન કરી શકશે. વળી નવરાત્રી પર્વને લઈને માતાજીનું મંદિર વહેલી સવારથી મોડી રાત્રે બાર વાગ્યા સુધી દર્શનાર્થી ભાવિકો માટે ખુલ્લું રહેશે. આ દરમિયાન માત્ર બપોરે સફાઈ કામ માટે જ મંદિરના બંધ રહેશે.