માતાના મઢે દર્શન કરીને પરત ફરતા શ્રદ્ધાળુને કાળનો ભેટો: બે અકસ્માતમાં 6ના મોત…
ભુજ: આવતીકાલથી માતાજીના પવિત્ર પર્વ નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે માતાના મઢ ખાતે યાત્રિકો દર્શન કરવા ઉમટ્યા છે. માતાના મઢ ખાતે દર્શન કરીને પરત ફરી રહેલા યાત્રિકોને કાળનો ભેટો થયો છે. કચ્છમાં હારીજ-ચાણસ્મા ધોરીમાર્ગ અને ભચાઉના કટારિયા નજીક સર્જાયેલા બે ગમખ્વાર અકસ્માતમાં કુલ 6 લોકોના મોત થયા છે. જ્યારે 18 થી વધુ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે.
આ પણ વાંચો :કચ્છમાં મિશ્ર વાતાવરણનું ઉતરાણ: દિવસ અને રાતના તાપમાનમાં 8થી 10 ડિગ્રીનો તફાવત…
હારીજ-ચાણસ્મા ધોરીમાર્ગ પર પૂરપાટ વેગે જઈ રહેલી મારુતિ ઈકો કાર અને ટેન્કર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં એક ગર્ભવતી મહિલા સહીત ત્રણ લોકોનાં ગંભીર ઈજાઓના પગલે મોત નીપજ્યાં હતાં, જયારે અકસ્માતગ્રસ્ત વાહનમાં રહેલા અન્ય આઠ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ પ્રાણઘાતક અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલાઓમાં ત્રણ મહિલા, ત્રણ બાળક અને બે પુરુષમાંથી ત્રણ બાળકોની હાલત અત્યંત નાજુક હોવાનું પણ જાણવા મળ્યું છે.
બનાવ અંગે જાણવા મળેલી વિગતો અનુસાર, ભુજ પોલીસ મથકમાં એએસઆઇ તરીકે ફરજ બજાવી છ વર્ષ અગાઉ નિવૃત થયેલા મૃતક નવલાસિંહ કે. રાઠોડ ગત રવિવારે પોતાના પરિવાર સાથે માતાના મઢ દર્શન કરવા માટે પોતાની ઇકો ગાડી લઈને નીકળ્યા હતા. ભુજના આશાપુરા તેમજ માતાના મઢના દર્શન કરી મંગળવારે પરત ફરી રહ્યા હતા, ત્યારે હારીજ-ચાણસ્મા ધોરીમાર્ગ માર્ગ પર તેમની કારને આ ભયાનક અકસ્માત નડ્યો હતો જેમાં પરિવારના મોભી સહિત પુત્ર અને પુત્રવધૂનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય આઠ સભ્ય ઈજાગ્રસ્ત બનતાં તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી ચાર લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા તોરલબા રવીન્દ્રાસિંહ રાઠોડને પાંચ માસનો ગર્ભ હોવાનું શોકાતુર પરિવારના સભ્યોએ જણાવ્યું હતું.
આ બનાવ અંગે હારીજ પોલીસ સ્ટેશનના પી.આઈ. નીરવ શાહના જણાવ્યા મુજબ ટેન્કર મહેસાણા તરફ જઈ રહ્યું હતું, ત્યારે માતાના મઢ તરફથી આવી રહેલી ઈકો ગાડીના ચાલકે પાછળથી ટેન્કરને ટક્કર મારતાં આ ગોઝારી ઘટના સર્જાઇ હતી. મૂળ સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના કાબસો ગામના એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા છે. જેમાં નવલાસિંહ કે. રાઠોડ (પિતા) અને તેના પુત્ર રવીન્દ્રાસિંહ નવલાસિંહ અને પુત્રવધૂ તોરલબાનો સમાવેશ થાય છે.
ખાખરેચીના યાત્રાળુઓને કાળનો ભેટો:
માતાના મઢથી પરત ફરી રહેલા મૂળ હળવદ નજીક ખાખરેચી ગામના શ્રદ્ધાળુઓને પણ અકસ્માત નડ્યો હતો. માતાના મઢથી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે ભચાઉના કટારીયા નજીક એક ટ્રકે ટ્રેક્ટર-ટ્રોલીને ટક્કર મારતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ શ્રદ્ધાળુઓના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં છે, જ્યારે દસથી બાર યાત્રિકો ઘાયલ થયાં છે. બુધવારે બપોરે સર્જાયેલા આ ગોઝારા અકસ્માતમાં મૃત્યુ પામનારમાં બે સ્ત્રી અને એક કિશોરનો સમાવેશ થાય છે. હતભાગીઓ માતાના મઢના દર્શન કરીને ટ્રેક્ટરમાં બેસીને પરત ફરતાં હતાં. મૃતદેહો અને ઘાયલોને લાકડીયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયાં હોવાનું સામખિયાળીના પી.આઈ વી.કે. ગઢવીએ જણાવ્યું હતું.