મેચમાં હાર પહેલા જ 200 કરતા વધારેને આ કારણે કરવા પડ્યા હતા ઈમરજન્સી કૉલ્સ

શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 19મી નવેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપની ફાઈનલ મેચ રમાઈ હતી.જેમાં દેશ-વિદેશના સવા લાખ કરતાં વધુ પ્રેક્ષકો ઉપરાંત અનેક સેલેબ્સ મેચ નિહાળવા માટે આવ્યા હતા. ખૂબ જ આશાઓ વચ્ચે મેચ જોવા આવેલા લાખો પ્રેક્ષકોને લગભગ દસેક કલાકના રઝળપાટ અને થાક બાદ વર્લ્ડ કપ હાથમાં ન આવતા સખત નિરાશા સાંપડી હતી, પરંતુ તે પહેલા જ મેચ દરમિાયન પણ ઘણા પ્રેક્ષકોએ તબીબી સારવાર લેવી પડી હતી આ દરમિયાન ભારે ભીડ અને બપોરના સમયે બફારા અને ગરમીના કારણે નબળાઈ, માથામાં દુખાવો અને ચક્કર ખાઈને પડી જવાના 219 કોલ્સ નોંધાયા હતાં.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદમા વર્લ્ડકપની ફાઈનલ મેચ દરમિયાન મેડિકલ ઈમરજન્સી 108 દ્વારા કુલ 219 કૉલ રિસીવ કરવામાં આવ્યા હતા. જેમાં મોટાભાગના કોલ માથામાં દુખાવાના, નબળાઈ અને તેમજ ચક્કર ખાઈને બેભાન થઈ જવાના હતા. આ તમામ કોલ્સમાં 108ની ટીમ દ્વારા તાત્કાલિક સારવાર પૂરી પાડવામાં આવી હતી. મોટાભાગના પ્રેક્ષકો વહેલી સવારથી સ્ટેડિયમમાં પહોંચી ગયા હતા. આથી લાંબો સમય સુધી કંઈ નહીં ખાવા-પીવાના કારણે અનેક પ્રેક્ષકોને બ્લડ પ્રેશર ઘટી જવાન સહિતની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.
જેમાં મોટાભાગના કેસ ડિહાઈડ્રેશન, મૂર્છિત થઈને ઢળી પડવા, ચક્કર આવવા, માથામાં સખત દુખાવો થવાના હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ 14મી ઓક્ટોબરના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચ દરમિયાન પણ 600થી વધુ પ્રેક્ષકો મૂર્છિત થઈને ઢળી પડ્યા હતા. જે પૈકી 10ને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવાની પણ જરૂર પડી હતી.