સુરત બાદ બનાસકાંઠામાં સામૂહિક આત્મહત્યાનો બનાવ, 4 લોકોએ ડેમમાં કૂદી જીવન ટૂંકાવ્યું

પાલનપુર: પાલનપુર પાસે આવેલા નાની ભટામલ ગામમાં એક પરિણીતા, તેના સાસુ તથા તેના 2 સંતાનોએ એકસાથે ડેમમાં ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી છે. મૃતક પરિણીતાના પતિ તથા સસરા આ સાસુ-વહુને માનસિક અને શારીરિક ત્રાસ આપતા હોવાનું પ્રાથમિક તપાસમાં કારણ સામે આવ્યું છે.
મૃતક પરિણીતાના ભાઇએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે આજથી પાંચ વર્ષ પહેલા તેમની બહેનના લગ્ન નાની ભટામલ ગામમાં રહેતા પરિવારમાં કર્યા હતા. જો કે તેમને લગ્નજીવન દુખદ હતું. અવારનવાર સાસરિયા તેમને ત્રાસ આપવામાં આવતો હોવાની તેમના બહેન ફરિયાદ કરતા હતા. તેમને અપશબ્દો બોલી ઘરેથી કાઢી મુકવામાં આવ્યા હતા. એ પછી તેમના બહેન પિયર પરત ફર્યા હતા પરંતુ તેમને સમજાવીને પાછા મોકલી અપાયા હતા.
મૃતકના ભાઇએ જણાવ્યું હતું કે આજે સવારથી બહેન ઘરમાં ન હોવાનું સાસરિયા પક્ષ દ્વારા ફોન કરીને જાણ કરવામાં આવી હતી. પોતાના બે સંતાનો અને સાસુ સાથે બહેન જતા રહ્યા હોવાની ખબર પડતા જ તેઓ પણ પરિવાર સાથે શોધખોળમાં લાગી ગયા હતા, જેમાં ડેમ પાસે બહેનના પર્સ અને ચંપલ વગેરે મળી આવતા પોલીસને બોલાવીને ડેમમાં તરવૈયાઓ સાથે તપાસ કરાતા તમામ ચાર લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. સમગ્ર મામલે પાલનપુર પોલીસે તપાસ હાથ ધરી છે.