જામકંડોરણાના સનાળા ગામે સામૂહિક આપઘાત; ઘર કંકાસમાં ભર્યું અંતિમ પગલું
જામકંડોરણા: રાજ્યમાં ફરી એકવખત સામૂહિક આપઘાતની ઘટનાના અહેવાલો મળી રહ્યા છે. રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના સનાળા ગામમાં સામુહિક આપઘાતની ઘટના બની છે. ઘર કંકાસના કારણે શ્રમિક પરિવારની માતાએ બે સંતાનો સાથે ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. મૃતકો મૂળ દાહોદ જિલ્લાના હોય અત્રે મજુરી કામ અર્થે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી અનુસાર, મૂળ દાહોદ જિલ્લામાંથી મજૂરી કામ માટે રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના સનાળા ગામમાં આવેલા શ્રમિક પરિવારે સામૂહિક આપઘાત કર્યો છે. પ્રાથમિક તપાસમાં આપઘાત પાછળનું કારણ પતિ-પત્ની વચ્ચે કામ બાબતે સામાન્ય ઠપકાને માનવામાં આવી રહ્યું છે, તો અન્ય કારણમાં ઘર કંકાસના કારણે અંતિમ પગલું ભર્યું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
Also Read – સાયલા-પાળીયાદ હાઈવે પર ડમ્પરે અડફેટે 40 ઘેટાં બકરા સહિત માલધારીનું મૃત્યુ
પ્રાથમિક તપાસથી મળતી વિગતો અનુસાર, શ્રમિક પરિવારમાં ઘર કંકાસના કારણે સીનાબેન ઈશ્વરભાઈએ તેમની દીકરી અને દીકરા સાથે આપઘાત કર્યો છે, સૌપ્રથમ તેમણે દીકરા અને દીકરીને ઝેરી દવા પીવડાવી હતી અને બાદમાં પોતે પણ ઝેરી દવા પી લીધી હતી. બનાવની જાણ થયે જામકંડોરાણા પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને ત્રણેય મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.