Top Newsઆપણું ગુજરાત

ગુજરાત બનશે મારુતિનું હબ: ₹4,960 કરોડના ખર્ચે સ્થાપશે બીજો પ્લાન્ટ, 10 લાખ કારનું થશે મેન્યુફેક્ચરિંગ…

અમદાવાદઃ મારુતિ સુઝુકી ગુજરાતમાં વધુ એક પ્લાન્ટ સ્થાપશે. રૂ. 4690 કરોડના ખર્ચે આ પ્લાન્ટ ખોરજમાં કાર્યરત થશે. તેનાથી કંપનીની વાર્ષિક મેન્યુફેક્ચરિંગ ક્ષમતા 10 લાખ કારની થશે.

મારુતિ સુઝુકીના જણાવ્યા પ્રમાણે, તેના બોર્ડે ગુજરાતમાં રૂ. 4960 કરોડના ખર્ચે જમીન હસ્તગત કરવાના નિર્ણય અને મેન્યુફેક્ચરિંગ કેપિસિટીના વિસ્તરણને મંજૂરી આપી છે. કંપનીના બોર્ડે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ પાસેથી ખોરાજ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ ખાતે જમીન સંપાદન કરવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. કંપનીએ રેગ્યુલેટરી ફાઇલિંગમાં જણાવ્યું છે કે, સૂચિત ક્ષમતામાં 10 લાખ યુનિટ્સ સુધીનો વધારો કરવામાં આવશે.

મારુતિ સુઝુકીએ જણાવ્યું હતું કે, આ વિસ્તરણ માટેના કુલ રોકાણને બોર્ડ દ્વારા ત્યારે આખરી ઓપ આપી મંજૂરી આપવામાં આવશે જ્યારે ક્ષમતાના તબક્કાવાર ઇન્સ્ટોલેશનનું માળખું તૈયાર થશે. કંપનીએ વધુમાં ઉમેર્યું હતું કે, બોર્ડ દ્વારા જમીન સંપાદન, વિકાસ અને પ્રારંભિક પ્રવૃત્તિઓ માટે રૂ. 4960 કરોડના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે. આ વિસ્તરણ માટેનું ભંડોળ આંતરિક ઉપાર્જન અને બાહ્ય ધિરાણના મિશ્રણ દ્વારા મેળવવામાં આવશે.

Maruti Suzuki

હાલની ઉત્પાદન ક્ષમતા અને ભાવિ યોજનાઓ

મારુતિ સુઝુકી હાલમાં હરિયાણાના ગુરુગ્રામ, માનેસર અને ખારખોડા તથા ગુજરાતના હંસલપુર ખાતે વાર્ષિક આશરે 24 લાખ યુનિટ્સની કુલ સ્થાપિત ક્ષમતા ધરાવે છે, જેમાં વાર્ષિક 26 લાખ યુનિટ્સ સુધી ઉત્પાદન કરવાની ક્ષમતા છે. આમાં અગાઉની ‘સુઝુકી મોટર ગુજરાત પ્રાઇવેટ લિમિટેડ’ ના ઉત્પાદનનો પણ સમાવેશ થાય છે, જેનું હવે કંપનીમાં વિલીનીકરણ કરી દેવામાં આવ્યું છે. કંપનીએ જણાવ્યું હતું કે હાલની ક્ષમતાનો સંપૂર્ણ ઉપયોગ થઈ રહ્યો છે.

વર્ષ 2024માં, સુઝુકી મોટર કોર્પોરેશનના પ્રેસિડેન્ટ તોશિહિરો સુઝુકીએ જાહેરાત કરી હતી કે મારુતિ સુઝુકી ઇન્ડિયા ગુજરાતમાં તેનો બીજો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા માટે રૂ. 35,000 કરોડનું રોકાણ કરશે, જેની ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 10 લાખ યુનિટ્સની હશે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button