હે મા…માતાજીઃ નવરાત્રી પહેલા જ શ્રીફળના ભાવમાં ઉછાળો, ભક્તિ પણ મોંઘી…
હિન્દુ ધર્મવિધિ અને પૂજામાં શ્રીફળ વધેરવાનો અનેરો મહિમા છે અને બીજી બાજુ નાળિયેર ખાણીપીણી અને સ્વાસ્થ્ય માટે પણ પુષ્કળ પ્રમાણમાં વપરાય છે, ત્યારે માર્કેટમાં અચાનક નાળિયેરના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. બારે માસ મંદિરોમાં વધેરાતા નાળિયર નવરાત્રી પહેલા જ મોંઘા બનતા ગરીબો માટે તો માતાજીની ભક્તિ કરવાનું પણ મોંઘુ બની જશે તેમ લાગે છે.
આ પણ વાંચો : નોરતા પર્વને લઈને માતાના મઢ ખાતે તડામાર તૈયારીઓ: ઉમટશે ભાવિકોનું ઘોડાપૂર…
ભાવની વાત કરીએ તો મિડિયમ સાઈઝનું નાળિયર જે રૂ. 25માં મળતું હતું તે રૂ. 31માં મળે છે. આ સાથે કોપરાનો ભાવ કિલોએ રૂ.120થી વધી 240 થયો છે, જ્યારે કોપરાના છીણનો ભાવ રૂ.160થી વધી રૂ. 300 થયો છે, તેમ ગાંધીએ ઉમેર્યું હતું
આ મોંઘા બની ગયેલા નાળિયેર અંગે મસાલાના મોટા વેપારી હિરેન ગાંધીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં નાળિયેર દક્ષિણના રાજ્યોમાંથી મુખ્યત્વે આવે છે. તેમણે જણાવ્યું હતું કે આ વર્ષે 1.30 લાખ મેટ્રિક ટન નાળિયેરનું ઉત્પાદન થયું છે, પણ સાથે માગ પણ એટલી છે અને વધી છે. આ સાથે એક્સપોર્ટ પણ થાય છે.
દક્ષિણમાં નાળિયેરનું કુકિંગ ઓઈલ સહિતની વસ્તુમાં ખૂબ જ ચલણ છે. ગુજરાતમાં હેર ઓઈલથી માંડી ફરસાણ મીઠાઈ વગેરેમાં કોકોનટ મોટા પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવે છે.
આ સાથે તેમણે ખાસ ઉમેર્યું કે કોરોનાની મહામારી બાદ નાળિયેરનો સ્વાસ્થ્યને લગતી પ્રોડક્ટમાં પણ ભારે ઉપયોગ થઈ રહ્યો છે. ગુજરાતમાં જ છ-સાત બ્રાન્ડ છે જે ટેટ્રા પેકમાં નાળિયેર પાણી વેચે છે. આ સાથે લોકો કોપરું પણ સારા સ્વાસસ્થ્ય માટે ઉપયોગમાં લે છે.
તેમના જણાવ્યા અનુસાર વધતી માગને જોતા ભાવ બહુ જલદીથી નીચે આવે તેવી શક્યતા ઓછી છે, પરંતુ સરકારે આગોતરું આયોજન કરી લીધું છે, આથી લોકોને રાહત મળશે તેવી આશા છે.