ગુજરાતમાં નાગરિકો માટે ઉપયોગી બનશે ” Mari Yojna” પોર્ટલ, 680થી વધુ યોજનાની માહિતી ઉપલબ્ધ

ગાંધીનગર : ગુજરાતના(Gujarat) નાગરિકોને એક જ સ્થળે તમામ સરકારી યોજનાની માહિતી મળી રહે તે માટે સરકારે નવતર પહેલ કરી છે. જેમાં સરકારે લોન્ચ કરેલું “મારી યોજના”(Mari Yojna)પોર્ટલ લોકોને મદદરૂપ સાબિત થશે. આ પોર્ટલ પર 680થી વધુ સરકારી યોજનાઓની વિગતવાર માહિતી ઉપલબ્ધ થશે. ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર સાથે સંયુક્ત રીતે “મારી યોજના” પોર્ટલનું નિર્માણ કરવામાં આવ્યું છે.
યોજનાઓનો લાભ પારદર્શક રીતે અને સરળતાથી મેળવી શકશે
રાજ્ય સરકારના વિવિધ વિભાગોની જનકલ્યાણલક્ષી યોજનાઓની માહિતી સામાન્ય નાગરિકોને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર સરળતાથી મળી રહે તેવા ઉદ્દેશથી “મારી યોજના” પોર્ટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની 680 થી પણ વધુ યોજનાઓની માહિતી આ પોર્ટલ પર નાગરિકોને ઉપલબ્ધ થશે. આ પોર્ટલની મદદથી રાજ્યના નાગરિકો વિવિધ યોજનાઓથી માહિતગાર થશે તેમજ પોતાને લાગુ પડતી યોજનાઓનો લાભ પારદર્શક રીતે અને સરળતાથી મેળવી શકશે.
ઉપયોગી માહિતીની શોધ કરી શકે છે
પોર્ટલ પર વિવિધ સરકારી યોજનાઓ, તેનો સારાંશ, પાત્રતાના માપદંડો, મળવાપાત્ર લાભો અને જરૂરી બિડાણો, અરજી પ્રક્રિયા વિશે વિગતવાર માહિતી આપવામાં આવી છે. નાગરિકો શિક્ષણ, આરોગ્ય, રોજગાર જેવા વિવિધ ક્ષેત્રોની યોજનાઓને સરળતાથી આ પોર્ટલ પર શોધી શકે છે. આ ઉપરાંત, નાગરિકો આ પોર્ટલ પર વિવિધ વ્યક્તિગત માપદંડોના આધારે પોતાને ઉપયોગી માહિતીની શોધ કરી શકે છે.
ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાઓમાં માહિતી ઉપલબ્ધ
નાગરિકો પોતાની વ્યક્તિગત વિગતો અને સામાજિક-આર્થિક પરિબળોના આધારે સરકારી યોજનાઓ માટે પાત્રતા ધરાવે છે કે કેમ તે જાણી શકશે. ગુજરાતના નાગરિકોની સુલભતા માટે આ પોર્ટલ પર ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાઓમાં માહિતી ઉપલબ્ધ થશે. પોર્ટલના સરળ ઇન્ટરફેસ થકી ટેક્નિકલ જ્ઞાન ન ધરાવતા લોકો પણ તેનો અસરકારક રીતે ઉપયોગ કરી શકશે.
આ પણ વાંચો…Ahmedabad ના સાબરમતી પાર્સલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં મુખ્ય આરોપી સહિત બેની ધરપકડ
આગામી સમયમાં ઉપલબ્ધ થશે AI ચેટબોટ
રાજ્ય સરકાર દ્વારા સંબંધિત યોજનાઓને લગતા કોઈપણ પ્રશ્નોના જવાબ આપવા માટે મારી યોજના પોર્ટલ માટે AI સંચાલિત ચેટબોટનો વિકાસ પણ કરવામાં આવી રહ્યો છે. તેના થકી રાજ્ય સરકાર પોતાના નાગરિકો સુધી સરળતાથી પહોંચી શકશે, અને નાગરિકોને રાજ્યની તમામ યોજનાઓ સંબંધિત માપદંડો, અરજી પ્રક્રિયા, સમયમર્યાદા સહિત તમામ માહિતીઓ વાસ્તવિક સમય પર અને પોતાની માતૃભાષામાં મેળવવા માટે સક્ષમ બનાવશે.