મનસુખ વસાવાએ પાર્ટીના નેતાઓને ફરી લીધા આડે હાથ, કહ્યું- ચૈતર સામે કેમ બોલતા નથી?

નર્મદાઃ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ફરી પાર્ટીના નેતાઓને આડેહાથ લીધા હતા. તેમણે પ્રાદેશિક નેતાઓને ચૈતર વસાવા સામે કેમ બોલતા નથી તેમણે કહ્યું કે, આપના નેતાઓ તથા ધારાસભ્ય ચૈતર વસાવા લોકોને ગેરમાર્ગે દોરે છે અને આપણા બધાની તથા આપણી સરકાર વિરુદ્દ ઉશ્કેરે છે.
પ્રજાની વચ્ચે જઈને આપણે સાચી વાત મુકવી પડશે. મનસુખ વસાવાએ નર્મદાના નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ, ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવા, દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મોતીસિંહ વસાવા, ગુજરાત પ્રદેશ આદિજાતિ વિભાગના ઉપપ્રમુખ શંકર વસાવા, નર્મદા ભાજપના પ્રમુખ નીલ રાવ અને ગુજરાત પ્રદેશના નેતાઓને સીધો સવાલ પૂછ્યો કે, ચૈતર વસાવા સામે કોઈ કેમ બોલતું નથી?
આપના ‘ગુંડાઓ’ સામે પહેલેથી લડતો આવ્યો છું
મનસુખ વસાવાએ જણાવ્યું કે તેઓ આ ગુંડાઓ સામે પહેલેથી લડતા આવ્યા છે. પહેલા છોટુ વસાવા સામે બોલતા હતા અને હવે ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટી (આપ) સામે લડી રહ્યા છે. તેમણે સ્પષ્ટતા કરી કે આદિવાસી હિન્દુ છે અને રહેવાનો છે, પરંતુ આ વાતને પ્રદેશના નેતાઓ સમર્થન આપતા નથી. તેમણે વધુમાં કહ્યું કે, ચૈતર વસાવા ભલે જેલમાં છે, પરંતુ તેની ટીમ ભાજપ અને તેમને બદનામ કરી રહી છે.
તેમણે જણાવ્યું હતું કે, આ ચોમાસા સત્રમાં દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર, દેશના ગૃહ પ્રધાન અમિત શાહે દેશના રાજકારણમાં શુદ્ધિકરણ લાવવા અને ગુનાહિત પ્રવૃતિને ડામવા 130મું સંવિધાન સંશોધન બિલ લાવ્યા. તેમાં ગંભીર ગુનાહિત કેસમાં ધરપકડ થાય તો વડા પ્રધાન, પ્રધાનો અને મુખ્ય પ્રધાનને હટાવવા માટેના સંશોધન બિરદાવા પાત્ર છે.
મનસુખ વસાવાએ ઉપસ્થિત કાર્યકર્તાઓને જણાવ્યું કે આપણે પણ રાજકારણમાં ગુનાહિત પ્રવૃતિઓ ડામવા આગળ આવું પડશે, આપણા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના નેતાઓ અનેક પ્રકારના ગુનાહિત કૃત્યો કરે છે અને પ્રજામાં સાહુકાર બનવાના પ્રયાસો કરે છે, ખુદ ધારાસભ્ય ચૈતર વસાવાની સામે 19 જેટલા ગુના પોલીસ ફરિયાદમાં નોંધાયેલી છે.
છતાં તેમના આકાઓ તેને ભાજપનું ષડયંત્ર ગણાવી રહ્યા છે. આના માટે આપણે લોકોની વચ્ચે જઈને એમની સમક્ષ સાચી વાત મૂકવી પડશે. સોશિયલ મીડિયામાં ખોટા આરોપો મૂકનારાઓની સામે પણ આપણે જવાબ આપી સાચી વાતથી પ્રજાને વાકેફ કરવી પડશે.
માત્ર હું અને ધવલ પટેલ જ લડી રહ્યા છીએ’
મનસુખ વસાવાએ નર્મદાના નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ, ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવા, દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મોતીસિંહ વસાવા, ગુજરાત પ્રદેશ આદિજાતિ વિભાગના ઉપપ્રમુખ શંકર વસાવા, નર્મદા ભાજપના પ્રમુખ નીલ રાવ અને ગુજરાત પ્રદેશના નેતાઓને સીધો સવાલ પૂછ્યો કે, ચૈતર વસાવા સામે કોઈ કેમ બોલતું નથી?
તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, ‘માત્ર હું અને વલસાડના સાંસદ ધવલ પટેલ જ બોલીએ છીએ. બાકી બધા કેમ મૌન છે?’ તેમણે કાર્યકર્તાઓને અપીલ કરી કે ચૈતર વસાવાએ કરેલા કૃત્યો વિશે લોકોના ઘરે-ઘરે જઈને જાણ કરવી પડશે