જાફરાબાદમાં મેન્ગ્રોવ્સ હટાવી ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું! HCએ કેન્દ્ર અને રાજ્ય સરકાર નોટિસ ફટકારી
જાફરાબાદ: અમરેલી જિલ્લાના જાફરાબાદ વિસ્તારમાં મેન્ગ્રોવ્સ(Jafrabad mangroves)ને ગેરકાયદેસર રીતે હટાવી ક્રિકેટ ગ્રાઉન્ડનું નિર્માણ કરવા વિરુદ્ધ ગુજરાત હાઈકોર્ટ(Gujarat Highcourt)માં જાહેર હિતની અરજી(PIL) દાખલ કરવામાં આવી છે. શુક્રવારે થયેલી સુનાવણી બાદ ગુજરાત હાઈકોર્ટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને અમરેલી જિલ્લાના અધિકારીઓને નોટિસ ફટકારી હતી.
ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધ માયીની ડિવિઝન બેન્ચે જાફરાબાદના મેન્ગ્રોવ્સની સુરક્ષા માટે તંત્ર નિર્દેશો આપવા અને મેન્ગ્રોવ્સ દુર કરવા કથિત ગેરકાયદે પરવાનગી આપનારા અધિકારીઓ સામે પગલાં લેવાની માંગ કરતી જાહેર હિતની અરજી પર સુનાવણી કરી હતી.
અમરેલીના હરેશ ભાંભણીયા દ્વારા દાખલ કરવામાં આવેલી PIL અનુસાર, અમરેલીમાં જાફરાબાદ અને તેની આસપાસ મેન્ગ્રોવ્સનું આડેધડ કટીંગ અને નાશ કરવામાં આવ્યું છે, ખાસ કરીને સામા કાંઠા ક્રીકના વિસ્તારમાં.
અરજદારે એવી પણ રજૂઆત કરી છે કે તેણે 22 ડિસેમ્બર, 2023ના રોજ જમીન સમતળ કરવા માટે JCB મશીન જેવી ભારે મશીનરીનો ઉપયોગ થતો જોયો હતો, મેન્ગ્રોવ્સ જડમૂળથી ઉખાડી નાખવામાં હતા અને તેના પર રમતના મેદાનનું બાંધકામ ચાલી રહ્યું હતું.
એક અહેવાલ મુજબ સ્થાનિક વિધાનસભ્ય હીરાભાઈ સોલંકીએ જેમણે 31 ડિસેમ્બર, 2023 ના રોજ જિલ્લા કલેક્ટરને લખેલા પત્રમાં આ “વેસ્ટ લેન્ડ” પર ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવા માટે મંજૂરી માંગી હતી.
જાફરાબાદમાં મેન્ગ્રોવ્સ જ્યાં આવેલા છે એ જમીન 2019 ના કોસ્ટલ રેગ્યુલેશન ઝોન નોટિફિકેશનના નિયમન હેઠળ આવે છે. અરજદારે તેમના એડવોકેટ દ્વારા કોર્ટમાં દલીલ કરી હતી કે વિવાદિત જમીન ‘હાઈ ટાઇડ લાઇન’માં આવે છે. CRZ-I નોટિફિકેશન હેઠળ નિર્ધારિત હાઇ ટાઇડ લાઇનની લેન્ડવર્ડ સાઈડથી 500 મીટરની અંદર કોઈ બાંધકામ પ્રવૃત્તિઓ હાથ ધરી શકાતી નથી.
કોર્ટે કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય તેમજ રાજ્ય સરકાર અને જિલ્લા કલેક્ટર અને મામલતદાર પાસેથી અરજીમાં ઉઠાવવામાં આવેલી દલીલો પર સુનાવણીની આગામી તારીખ સુધીમાં જવાબો માંગ્યા છે.