સોમાલિયામાં બંદરની રેતીમાં ૧૩ ક્રુ-મેમ્બર્સ સાથે ફસાયું કચ્છના માંડવીનું વહાણ
ભુજ: કચ્છના માંડવી પાસેના મોટા સલાયાનું એક ‘અલ-મરિયમ’ નામનું વહાણ સોમાલિયાના હોવ્યો બંદર પર ગ્રાઉન્ડેડ થઇ જતાં તેમાંના 15 જેટલા ખલાસીઓ ફસાઈ ગયા છે અને તેમને સલામત સ્થળે પહોંચાડવાની કામગીરી માટેના પ્રયાસો શરૂ કરી દેવાયા છે.
મળતી માહિતી પ્રમાણે, આ વહાણ દુબઈથી સોમાલિયાની ખેપ ભરી રહ્યું હતું ત્યારે તેનું એન્જીન મધ દરિયે બંધ થઇ જવા પામ્યું હતું અને તોફાની પવનોની ઝપેટમાં આવી જઈને આ વહાણ હોવ્યો બંદર પાસેના રેતીવાળા પટમાં ફસાઈને ગ્રાઉન્ડ થઇ ચૂક્યું છે.આ વહાણ પરના તમામ 13 ક્રૂ-મેમ્બર કચ્છના હોવાનું જાણવા મળે છે. ઉલ્લેખનીય છે કે, હોવ્યો પોર્ટ એ સોમાલિયાના હોવ્યો શહેર પાસે આવેલું બંદર છે. તે ઉત્તર-મધ્ય મુડૂગ દરિયાઈ ક્ષેત્રમાં આવેલું છે જે સોમાલિયાની રાજધાની મોગાડીશુંથી લગભગ 900 કિલોમીટર દૂર છે.
Also read: કેન્યા અને સોમાલિયામાં ભારે વરસાદ અને પૂર: ૪૦નાં મોત
મળતી વિગતો પ્રમાણે મોટા સલાયાના વહાણના માલિક ઈશા સિધિક થેઇમે કચ્છના સાંસદ વિનોદ ચાવડાનો સંપર્ક કરીને મદદ માંગતા કેન્યા સ્થિત ભારતીય દૂતાવાસનો સંપર્ક કરાયો છે અને વહાણ અને તેના પરના 13 ખલાસીઓને સલામત રીતે બહાર કાઢવા તાકીદે જરૂરી સાધન-સામગ્રી સાથેની બચાવ ટુકડીને ઘટનાસ્થળે પહોંચાડવા યોગ્ય કરવા માંગણી પર કરાઈ છે.
દરમ્યાન, આ તમામ ખલાસીઓ મધદરિયે ફસાઈ પડતાં કચ્છના માંડવી અને મોટા સલાયા ખાતે રહેતા તેમના પરિવારજનોમાં ચિંતાની લાગણી ફેલાઈ છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, 1000 ટનની ક્ષમતા ધરાવતું અલમરિયમ ચાર વર્ષ પહેલા માંડવી ખાતે નિર્માણ થયું હતું. ગત વર્ષે મેન્ટેનન્સ માટે મુંદરાના જૂનાં બંદર પર આવ્યુ હતું અને અહીથી માલ ભરીને દુબઈ પોર્ટ તરફ ગયું હતું.