નખત્રાણા બાદ હવે ગણપતિ વિસર્જન કરવા ભુજથી માંડવી પહોચેલા ભક્તો પર પથ્થરો ફેંકાયા!

ભુજ: કચ્છના નખત્રાણાના જડોદર (કોટડા) ગામે કેટલાક અસામાજિક તત્વો દ્વારા ગણેશજીની પ્રતિમા પર પથરાં મારીને સૂંઢ તોડી નાખવાની તેમજ એક ધર્મસ્થાન પર લીલી ઝંડી લહેરાવી દઈ કોમી તણાવ સર્જવાના પ્રયાસને પોલીસે માંડ નિષ્ફળ બનાવ્યો છે તેવામાં ભુજથી માંડવીમાં ગણેશ વિસર્જન કરવા ગયેલા ભક્તો પર પણ પથ્થરો ફેંકાયા હોવાનો અણછાજતો બનાવ સામે આવતાં પોલીસ તંત્રમાં દોડધામ થઇ પડી છે.
આ પણ વાંચો : આખરે કચ્છવાસીઓને મળી પહેલી વંદે મેટ્રોઃ જાણો ક્યારથી શરૂ થશે
ગત બુધવારે સાંજે ભુજથી માંડવી જઈને ત્યાંના પોર્ટ વિસ્તારમાં ગણેશ વિસર્જન કરવા ગયેલા ભકત સમુદાય પર કાંકરીચારો કરીને કોમી એખલાસની ડહોળવાનો ફરી પાછો હીન પ્રયાસ કરવામાં આવ્યો છે. ઘટના સ્થળે ઘસી ગયેલી પોલીસે ઉગ્ર બનેલા મામલાને થાળે પાડવા માટે સમજાવટ આદરી હતી અને માંડવીના પોર્ટ વિસ્તારમાં મોટી સંખ્યામાં એકત્ર થયેલા શ્રદ્ધાળુઓને સમજાવટ કરીને દૂર કર્યા હતા.
પ્રાથમિક તપાસ મુજબ આઠથી દસ ભાંગફોડિયાઓએ હિન્દૂ ભક્તોની લાગણીને દુભાવવા કાંકરીચારો કર્યો હતો. પથ્થરમારા વચ્ચે પડકાર ફેંકતા અસામાજિક તત્વો બે મુઠી વાળીને ભાગી છૂટ્યા હતા. સમગ્ર ઘટના અંગે વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ યુવા સંગઠને હિન્દુ સમાજના ધાર્મિક ઉત્સવ પર કરવામાં આવતો કાંકરીચારો હવે સાંખી નહિ લેવામાં આવે તેવો આક્રોશ વ્યક્ત કર્યો હતો. હાલ પોલીસ સીસીટીવી ફૂટેજ ચકાસી તલસ્પર્શી તપાસ કરી રહી છે.
દરમ્યાન, નખત્રાણામાં ચાર કિશોરોએ ગામમાં સ્થાપિત ગણેશ પ્રતિમા પર પથરાં મારીને પ્રતિમાની સૂંઢ ખંડિત કરી એ બનાવ પોલીસે શરૂઆતમાં કૌમી શાંતિ જળવાઈ રહે તે હેતુથી કાયદેસર કાર્યવાહી કરવાના બદલે પોતાની રીતે મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો હતો જો કે,બનાવને લગતાં ભડકાઉ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવાનું શરૂ થયાં બાદ મોડી સાંજે પોલીસે પૂજારી મહેશપુરી રામપુરી ગોસ્વામીની ફરિયાદ લઈ આઠ શખ્સો સામે ધાર્મિક લાગણી દુભાવવા બદલ ગુનો દાખલ કર્યો હતો.
કૌમી સંવાદિતાને ખંડિત કરી શકે તેવી આ ઘટનાના અનિચ્છનીય પ્રત્યાઘાત ના પડે તે માટે ઈન્ચાર્જ પોલીસ વડા સાગર બાગમારે ભુજથી સ્થાનિક ગુન્હાશોધક શાખા, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સહિતની બ્રાન્ચોને સૂચના આપતાં તમામ આરોપીઓની અટક કરાવી દઈ ગામમાં સર્વત્ર પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
આ પણ વાંચો : કચ્છની કોમી શાંતિ ડહોળવાનો પ્રયાસ: ગણેશજીની મૂર્તિ ખંડિત કરી, મંદિર પર લીલો ધ્વજ લહેરાવ્યો…
અટકમાં લેવાયેલા ચારે પુખ્ત આરોપીઓને ગુરુવારે અદાલતમાં રજૂ કરી રીમાન્ડ પર લેવાશે તેમ પી.આઈ એ.એમ.મકવાણાએ જણાવ્યું છે.
બીજી તરફ, પંડાલની બાજુના હિન્દૂ ધાર્મિક સ્થાન પર લીલી ઝંડી લહેરાવવા બદલ પોલીસે ગામની મદ્રેસાનો મૌલાના ગુલામ હુસેન જાફર, આસિફ સુમરા પડયાર, સાહિલ રમજાન મંધરા અને હનિફ જુણસ મંધરાની અટક કરી છે. દુંદાળા દેવની પ્રતિમાને નુકસાન કરનાર ચારે કિશોર વયના આરોપીઓ સામે જૂવેનાઈલ જસ્ટીસ એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.