કિરીટ ઉપાધ્યાય દ્વારા
અમદાવાદ:કેન્દ્રીય પ્રધાન અને ભાજપના ગુજરાત પ્રદેશ સંગઠનમાં વર્ષો સુધી સેવા આપીને આખરે રાજ્યસભામાં ચૂંટાઇને કેન્દ્રીય પ્રધાન પદે પહોંચેલા ડૉ. મનસુખ માંડવિયા ભાવનગર કે અમરેલીમાં લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે એવી અટકળો કે વિશ્લેષણો પર ભાજપના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થતા જ પાણી ફરી વળ્યું હતું. માંડવિયાને લેઉવા પાટીદારોના વર્ચસ્વ વાળી ગણાતી પોરબંદર બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. માંડવિયાને રાદડિયાના ગઢ પોરબંદર બેઠક પરથી ચૂંટણી લડાવવાનું સૌથી મોટું કારણે આ બેઠક ભાજપની સૌથી વધુ સુરક્ષિત ગણાય છે. ભાવનગર બેઠક પર સૌથી મોટું નડતર કોળી સમાજના બાહુલ્યનું હતું.
ભાવનગર બેઠક પર ભાજપ વર્ષોથી ભાજપ એકહત્થુ રીતે જીતી રહ્યું છે પરંતુ ભાજપે કૉંગ્રેસની કોળી મતબેન્ક અંકે કરવા પરસોત્તમ સોલંકી અને તેમના ભાઇ હીરા સોલંકીને સાથે રાખવા પડ્યા છે. 1990 ના દાયકામાં ક્ષત્રિય સમાજના મોભી રાજેન્દ્રસિંહ રાણા આ બેઠક પર લગાતાર જીતતા રહ્યા હતા, પરંતુ કોળી સમાજમાં રાજકીય જાગરણ થયા બાદ હવે નોન કોળી ઉમેદવારનું જીતવુ અઘરું થઇ પડ્યું છે. 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે અહીંથી કોળી સમાજના ભારતીબેન શિયાળને મેદાનમાં ઉતારીને જીતનો સિલિસિલો યથાવત્ રાખ્યો હતો. ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીએ કોળી સમાજના ઉમેશ મકવાણાને ટિકિટ આપી છે. ભાવનગરમાં કોળી મતદારોનું કાયમ પ્રભુત્વ રહ્યું છે ત્યારે સીટિંગ સાંસદ અને કોળી સમાજના ભારતીબેન શિયાળને પડતા મૂકીને પાટીદાર સમાજના મનુસખ માંડવિયાની પસંદગી સામે કોળી સમાજની નારાજગી કઇંક નવા જૂની કરી શકે છે એવી ધાસ્તીને લીધે માંડવિયાને પોરંબદરની સુરક્ષિત બેઠક પર લઇ જવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે. ભાવનગર બેઠક કોળી સમાજના નેતા અને રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીને આપવામાં આવી શકે છે.
પોરબંદરની લોકસભા બેઠક હેઠળ રાજકોટ જિલ્લાની ગોંડલ, જેતપુર, ધોરાજી અને પોરબંદર જિલ્લાની પોરબંદર અને કુતિયાણા તથા જૂનાગઢ જિલ્લાની માણાવદર તથા કેશોદ એમ ત્રણ જિલ્લાની સાત વિધાનસભા બેઠક આવે છે. કૉંગ્રેસે 2022ની વિધાનસભા ચૂંટણીમાં પોરબંદર અને માણાવદર આ લોકસભાની બેઠક જીતી હતી જેમાં પોરંબદર બેઠકના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પણ મનસુખ માડંવિયાના ટેકામાં ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપની સ્થિતિ વધુ મજબૂત બનાવી છે.
2009ની લોકસભા ચૂંટણીમાં પોરબંદર બેઠક પર છેલ્લી વાર કૉંગ્રેસની જીત થઈ હતી અને વિઠ્ઠલભાઈ રાદડિયા ચૂંટાયા હતા. ત્યાર બાદ તેઓ ભાજપમાં ભળી ગયા અને 2013 તથા 2014માં ફરીથી એક વાર લોકસભા ચૂંટણીમાં તેઓ જીત્યા હતા.
લોકસભા 2019ની ચૂંટણીમાં કૉંગ્રેસે લલિત વસોયાને તો ભાજપે રમેશ ધડુકને ટિકિટ આપી હતી અને વસોયા હાર્યા હતા. આ બેઠક પર 57 ટકા મતદાન થયું હતું અને લગભગ બે લાખ 30 હજાર મતે ધડૂકનો વિજય થયો હતો.
1991માં ભાજપ પહેલીવાર પોરબંદર લોકસભાની બેઠક જીત્યું હતું અને હરિલાલ પટેલ સાંસદ તરીકે ચૂંટાયા હતા. 2024ની લોકસભાની ચૂંટણી માટે કૉંગ્રેસે હજુ સુધી ઇન્ડિયા ગઠબંધન હેઠળ તેના ફાળે ગુજરાતમાં આવેલી 24 બેઠકો પૈકી એક પણ ઉમેદવાર જાહેર કર્યા નથી, એટલે પોરબંદરથી તેના ઉમેદવાર કોણ હશે તે જાહેર થયું નથી. ઉ
