24 અકસ્માતની ઘટનામાં એક જ ડ્રાઇવર ! વીમો પાસ કરાવવા આચર્યું કૌભાંડ

અમદાવાદઃ ગુજરાતમાંથી વધુ એક કૌભાંડ ઝડપાયું છે. અકસ્માતના એક કેસમાં ચાલક તરીકે રજૂ થયેલો વ્યક્તિ અન્ય 24 જેટલા કેસમાં પણ મેડિક્લેમમાં ચાલક તરીકે રજૂ થયો હતો. વીમા કંપનીની તપાસમાં આ સમગ્ર મામલો સામે આવ્યો છે.
ક્યાંનો છે મામલો
આ મામલો પંચમહાલ,દાહોદ અને મહીસાગર જિલ્લાનો છે. વાહન અકસ્માતના કેસમાં મેડિક્લેમ મેળવવા માટેનું મસમોટું કૌભાંડ આચરવામાં આવતું હોવાનો ઘટસ્ફોટ થયો છે. ગોધરામાં રહેતા અને એક ઇન્શ્યોરન્સ કંપનીમાં એરિયા મેનેજર તરીકે ફરજ બજાવતા કલ્પેશ કાંતિલાલ પ્રજાપતિએ ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે સને 2016માં ગોધરાની પંચમહાલ મોટર એક્સીડન્ટ ક્લેઈમ ટ્રીબ્યુનલ વાહન અકસ્માતના એક કેસમાં બજાજ એલિયાન્ઝ જનરલ ઈનસ્યોરન્સ કંપનીને નોટિસ મળી હતી.
અરજદાર જગદીશભાઈ લક્ષ્મણભાઈ હતાં અને સામાપક્ષે ચાલક તરીકે અસલમ મોહંમદ ચુંચલા તેમજ વાહન માલિક તરીકે સિકંદર સુલેમાનભાઈ સામદ અને બજાજ એલિયાન્ઝ જનરલ ઈન્સ્યુ.કુ.લી. હતી. જગદીશભાઈ લક્ષ્મણભાઈએ 22 ઓકટોબર 2015માં તુફાન ગાડીમાં બેસીને ગોધરા તરફ જતા હતા ત્યારે થયેલા અકસ્માતને લઈને પંચમહાલના મોટર એક્સિડન્ટ ક્લેઈમ ટ્રીબ્યુનલ વાહન અકસ્માતનો કેસ દાખલ કરીને વીમા કંપની પાસે ત્રણ લાખનું વળતર મેળવવા અરજી કરી હતી, જે કેસના ઈન્વેસ્ટીગેશન માટે વીમા કંપની દ્વારા ખાનગી તપાસ એજન્સીને તપાસ આપવામાં આવી હતી.
આ પણ વાંચો: છત્તીસગઢમાં એસયુવી અને ટ્રક વચ્ચે અકસ્માત: 6 જણનાં મોત
તપાસ દરમિયાન માલુમ પડ્યું હતું કે, અકસ્માતના બનાવમાં પોલીસ દ્વારા અસલમ મોહંમદ ચુંચલાને ચાલક તરીકે બતાવી પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. ઈન્વેસ્ટિગેશન એજન્સીએ તેઓના રિપોર્ટમાં ચાલક અસલમ મોહંમદ ચુંચલા અન્ય અકસ્માતના કેસમાં પણ ચાલક તરીકે હોવાનો ઉલ્લેખ કરીને કંપનીમાં રિપોર્ટ સબમિટ કર્યો હતો.
જેથી કંપનીના લીગલ ડિપાર્ટમેન્ટ દ્વારા આરોપી અસલમ મોહંમદ ચુંચલાના અન્ય ગુનાઓ તેમજ કોર્ટમાં દાખલ થયેલા વાહન અકસ્માતના કેસોની કોર્ટની વેબસાઈટ ઉપર તપાસ કરતા આ આરોપીના પંચમહાલ, દાહોદ, મહીસાગર જિલ્લાના જુદા જુદા પોલીસ મથકના વાહન અકસ્માતના બનાવોમાં વાહન માલિક તરીકે બતાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. જેથી આરોપી બાબતે તપાસ કરતા તે ખોટી રીતે ચાલક તરીકે ઉભો રહી લોકોને વીમાક્લેઈમ અપાવતો હોવાની માહિતી મળી હતી. આ રીતે તેણે 24 વીમાક્લેઈમ પાસ કરાવ્યા હતા