Valsad માં મંદિરમાં પૂજા કરતી વખતે હાર્ટ એટેક આવતા વ્યક્તિનું મોત, વિડીયો વાયરલ
વલસાડ : ગુજરાતના વલસાડ(Valsad)જિલ્લામાં એક આઘાતજનક ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં હાર્ટ-એટેકના લીધે મંદિરમાં ભગવાનની પૂજા કરી રહેલા વ્યક્તિનું મોત થયું છે. મંદિરમાં પૂજા કરી રહેલા વ્યકિતને અચાનક હાર્ટ- એટેક આવતા નીચે પડી ગયો હતો તેમજ સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવે તે પૂર્વે તેનું મૃત્યુ થયું હતું. આ ઘટના મંદિરમાં લાગેલા સીસીટીવીમાં રેકોર્ડ થઇ છે.
શિવલિંગ પર અભિષેક કરી રહ્યા હતા
આ સમગ્ર ઘટનાની વિગત મુજબ વલસાડ જિલ્લાના પારનેરા ડુંગર સ્થિત મહાદેવ મંદિરમાં બની હતી. જેમાં હાર્ટ એટેકથી મૃત્યુ પામેલા વ્યક્તિની ઓળખ 62 વર્ષીય કિશોરભાઈ પટેલ તરીકે થઈ છે. કિશોરભાઈ પટેલ વલસાડના પારનેરા ટેકરી પર આવેલા મહાદેવજીના મંદિરે રોજ આરતી માટે જતા હતા. દરરોજની જેમ મંગળવારે પણ સવારે મહાદેવની આરતી કર્યા બાદ કિશોરભાઇ સવારે 6.48 કલાકે શિવલિંગ પર અભિષેક કરી રહ્યા હતા. આ દરમિયાન તેમને હાર્ટ એટેક આવ્યો જેના કારણે તેમનું મૃત્યુ થયું.
આ પણ વાંચો : ગુજરાત સરકાર બિન ખેડૂતોને પણ ખેડૂત બનાવવાની વેતરણમાંઃ અમિત ચાવડાના આકરા પ્રહાર
મંદિર પરિસરમાં લોકો ગભરાયા
જ્યારે મંદિરના સીસીટીવીમાં જોઈ શકાય છે કે ત્રણ-ચાર લોકો પૂજા કરી રહ્યા છે. ત્યારે કિશોર ભાઈને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. જેના કારણે તે જમીન પર પડી ગયા. આ દરમિયાન ત્યાં હાજર અન્ય લોકો તેને CPR આપી રહ્યા હતા પરંતુ ત્યાં સુધીમાં તેમનું મોત થઈ ગયું હતું. આ ઘટનાને પગલે મંદિરમાં હાજર અન્ય લોકો પણ ગભરાઈ ગયા હતા અને મંદિર પરિસરમાં શોક ફેલાઈ ગયો હતો. કિશોરભાઈના પરિવારમાં પત્ની, એક પુત્ર અને એક પુત્રી છે. હાલ સમગ્ર પરિવાર શોકમગ્ન છે.