પત્ની સાથે ઝઘડો થતા યુવક રેલવેની હાઈ ટેન્શન લાઈનના થાંભલા પર ચડી ગયો
સુરતઃ સુરત રેલવે સ્ટેશન અને સહારા દરવાજા વચ્ચેના રેલવે ટ્રેકના હાઈટેન્શન લાઈનના થાંભલા પર ચડી ગયો હતો. ઘટના અંગેનો કોલ મળતા ફાયર વિભાગના અધિકારીઓએ સ્થળ પર પહોચી ત્રણ કલાકની જહેમત બાદ યુવકને નીચે ઉતાર્યો હતો. અહેવાલ મુજબ પત્ની સાથે ઝઘડો થતા રેલવે લાઇનના થાંભલા પર ચઢ્યો હતો. નશાની હાલતમાં યુવક પથ્થરો લઈને થાંભલા ચડ્યો હતો અને પથ્થરો ફેંકી રહ્યો હતો. જેથી ટ્રેનોને ત્રણ કલાક માટે રોકવાની ફરજ પડી હતી.
ફાયર વિભાગને મોડી રાત્રે બે વાગ્યે કોલ:
સૂત્રોના પાસેથી મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રના જલગાંવથી સુરત આવેલો એક યુવક સુરત રેલવે સ્ટેશન અને સહારા દરવાજા વચ્ચેના રેલવે ટ્રેકના હાઈટેન્શન લાઈનના થાંભલા પર ચડી ગયો હતો. ફાયર વિભાગને રાત્રે બે વાગ્યે કોલ મળ્યો હતો. જેથી ફાયર વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયું હતું. ઘટનાની જાણ બાદ સુરત રેલવે સ્ટેશનના અધિકારીઓ, પોલીસ અને રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના જવાનો દોડતા થઈ ગયા હતા. દરમિયાન હાઈટેન્શન લાઈનના પાવરને બંધ કરી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
ફાયર અને પોલીસે ઊતરવા માટે સમજાવ્યા:
ફાયર વિભાગના અધિકારીઓ અને પોલીસ દ્વારા યુવકને નીચે ઊતરી જવા સમજાવવામાં આવ્યો હતો. જોકે, હાઈટેન્શન લાઈનના થાંભલા પર શર્ટ કાઢી દોડાદોડી કરી રહ્યો હતો અને ઉપર જ ડાન્સ પણ કરી રહ્યો હતો. જેથી તેને સમજાવવામાં આવી રહ્યો હતો. જોકે, તે નીચે ઊતરવા તૈયાર ન હતો. ત્યારબાદ ફાયર વિભાગની લેડર દ્વારા અને એક ટ્રેનને નીચે ઊભી રાખી થાંભલા સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
અધિકારી હાઈટેન્શન લાઈનના થાંભલા પર ચડ્યા:
એક ફાયર અધિકારી હાઈટેન્શન લાઈનના થાંભલા પર ચડ્યા હતા અને ત્યારબાદ આ યુવકને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. તો પણ તે સમજ્યો નહોતો. જેથી યુવકને થાંભલા પરથી નીચે પાડી દેવામાં આવ્યો હતો અને નીચે ઊભેલા ફાયર કર્મચારીઓ દ્વારા તેને પકડી પાડવામાં આવ્યો હતો.