વિકસિત ગુજરાતમાં કુપોષણનું પ્રમાણ ચિંતાજનક, દેશમાં છઠ્ઠા સ્થાને

અમદાવાદઃ ગુજરાતને રાજકીય રીતે વિકાસનું મોડલ કહેવામાં આવે છે, તે એક વાત છે, પરંતુ ગુજરાત પહેલેથી જ સમૃદ્ધ અને આગળ ધપતું રાજ્ય રહ્યું છે છતાં અહીં બાળકોમાં કુપોષણ મોટા પ્રમાણમાં જોવા મળે છે તે ચિંતાજનક છે. લોકસભામાં તાજેતરમાં રજૂ થયેલા રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં પાંચ વર્ષથી ઓછી વયના 39.73 ટકા બાળકો કુપોષિત છે. રાજ્યમાં પ્રત્યેક ચોથું બાળક કુપોષણની સમસ્યા ધરાવે છે. આ ઉપરાંત 21.39 ટકા બાળકોને નિર્ધારીત માપદંડ કરતાં ઓછું વજન હોવાનું રિપોર્ટમાં બહાર આવ્યુ છે. અપૂરતા વજનની સૌથી વઘુ સમસ્યા હોય તેવા મોટા રાજ્યોમાં મઘ્ય પ્રદેશ બાદ ગુજરાત બીજા સ્થાને છે.
બાળકોમાં કુપોષણની આ સ્થિતિ ગંભીર હોવા છતાં સરકારે ‘મિશન પોષણ 2.0’ હેઠળ ગુજરાતને છેલ્લા ત્રણ વર્ષમાં રૂ. 2879.30 કરોડનું ફંડ અપાયું છે. તેમાંથી માત્ર રૂ. 1310.23 કરોડનો જ ઉપયોગ થયો છે. રાજ્યના બાળકો માત્ર કુપોષણ જ નહીં ઓછા વજનની સમસ્યા પણ ધરાવે છે. પાંચ વર્ષ સુધીના 21.39 ટકા બાળકોનું અપૂરતું વજન છે. રાજ્યમાં 2023માં 20.40 ટકા, 2022માં 23.54 ટકા બાળકોનું વજન અપૂરતું હતું. જૂન 2024 સુધી દેશમાં 36.52 ટકા બાળકોને કુપોષણ અને 16.43 ટકા બાળકોને અપૂરતા વજનની સમસ્યા છે. આ સ્થિતિએ દેશની સરેરાશ કરતાં પણ ગુજરાતની સ્થિતિ નબળી હોવાનું પુરવાર થાય છે. અપૂરતા વજનની સૌથી વઘુ સમસ્યા હોય તેવા મોટા રાજ્યોમાં મઘ્ય પ્રદેશ બાદ ગુજરાત બીજા સ્થાને છે.
કુપોષણ મામલે ગુજરાત છઠ્ઠા સ્થાને
જૂન 2024માં કુપોષણની સૌથી વધુ સમસ્યા હોય તેવા રાજ્યોમાં ગુજરાત છઠ્ઠા સ્થાને હતું. ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 46.36 ટકા, મહારાષ્ટ્રમાં 44.59 ટકા, આસામમાં 41.98 ટકા બાળક કુપોષિત છે. બાળકોમાં કુપોષણને મામલે ત્રિપુરા, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ જેવા રાજ્યો કરતાં પણ ગુજરાતની સ્થિતિ બદતર છે. બાળકોમાં કુપોષણમાં ગુજરાતની સ્થિતિ સુધરવાનું નામ જ લઇ રહી નથી. વર્ષ 2022માં 51.92 ટકા અને વર્ષ 2023માં 43.78 બાળકો કુપોષિત હતા.