અમદાવાદમાં ભાડાની કાર લઈ રીલ બનાવવાનું ત્રણ યુવાનોને ભારે પડ્યું, કેનાલમાં ખાબકતા 3 ડૂબ્યા

અમદાવાદઃ સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધિ મેળવવા માટે ઘણીવાર યુવાનો પોતાનાં જીવને પણ જોખમમાં મૂકી દેતા હોય છે. જોખમી સ્ટંટ કરતી વેળાએ કેટલાક લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. અમદાવાદનાં ફતેવાડી કેનાલ પાસે આવીજ એક ઘટના બની હતી. કેનાલમાં સ્કોર્પિયો કાર સાથે ત્રણ યુવકો ખાબક્યા હતા. આ બાબતની જાણ થતાં ફાયર બ્રિગેડ અને સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે. હાલ તમામની શોધખોળ ચાલી રહી છે. જોકે કેનાલમાં પાણીનું વહેણ ખૂબ જ હોવાથી રેસ્ક્યુ ઑપરેશનમાં અડચણ આવી રહી હતી. જેના કારણે કેનાલમાંથી પાણીનો પ્રવાહ પણ બંધ કરવાની ફરજ પડી હતી.
ત્રણ વિસ્તારની ફાયર રેસ્ક્યૂ ટીમ ઘટના સ્થળે પહોંચી
અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા ફતેવાડી કેનાલમાં બુધવારે મોડી સાંજના સમયે એક સ્કોર્પિયો કાર કેનાલમાં ખાબકી હતી. સાંજના સમયે એકાએક કાર કેનાલમાં પડી જવાના કારણે સ્થાનિકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. બીજી તરફ ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરવામાં આવતા જમાલપુર, પ્રહલાદનગર અને અસલાલી ફાયર સ્ટેશનની રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. હાલ ફાયરબ્રિગેડના જવાનો દ્વારા બચાવ કામગીરી કરાઈ રહી છે.
Also read: અમદાવાદમાં બે વર્ષમાં હિટ એન્ડ રનની 739 ઘટના; 345 ના મોત…
ફાયરબ્રિગેડની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું
ફાયરબ્રિગેડની ટીમ દ્વારા હાલ કારને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જ્યારે કારમાં સવાર ત્રણ લોકોની હજી સુધી કોઈ ભાળ મળી નથી. ફાયર બ્રિગેડની ટીમો દ્વારા અલગ-અલગ જગ્યાએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ફતેવાડી કેનાલમાં ફાયર બ્રિગેડ અને પોલીસની મદદથી સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. ફાયર બ્રિગેડની બેથી વધુ ટીમો પોલીસની સાથે જે જગ્યાએ સાઇફરન તરફ પાણીનું વહેણ છે ત્યાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે.
રીલ બનાવવા માટે ગાડી લઈને ગયા હતા
વાસણા વિસ્તારમાં રહેતા હૃદય વયંતા, વેજલપુરના રહેવાસી સોલંકી ધ્રુવ અને ઋતાયુ સોલંકી રૂ. 3500ના ભાવે ચાર કલાક માટે વાસણા બેરેજ તરફ રીલ બનાવવા માટે ગાડી લઈને ગયા હતા. વાસણા બેરેજના વિસ્તારમાં અગાઉથી જ તેમના અન્ય મિત્રો ત્યાં હાજર હતા. વાસણા બેરેજથી થોડે દૂર યશ ભંકોડીયાએ થોડે દૂર ગાડી ચાલવી હતી. બાદમાં યશ સોલંકીને ગાડી ચલાવવા માટે આપી હતી. ગાડીમાં ક્રિશ દવે પણ બેઠો હતો. ત્રણેય મિત્રો ગાડીને યુ ટર્ન મારી અને પાછી લાવતા હતા પરંતુ, કોઈ કારણોસર ગાડીનો ટર્ન વાગ્યો નહોતો અને ગાડી સીધી કેનાલમાં ઘસી ગઈ હતી. તેથી, મિત્ર વિરાજસિંહ રાઠોડ અને અન્ય મિત્રોએ દોરડું નાખી અને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ, ત્રણમાંથી એક પણ વ્યક્તિ દોરડું પકડી શક્યો નહોતો વહેતા પાણીમાં તણાઈ ગયા હતા.