આપણું ગુજરાત

Gujarat: નવા વર્ષમાં બનાવો લીલવાની કચોરી ને ઊંધીયુ કારણ કે…

અમદાવાદઃ નવા વર્ષની શરૂઆત આમ તો આજકાલ હોટલ કે રેસ્ટોરાંના ભોજનથી જ થાય છે, પણ આખું વર્ષ ગૃહિણીઓ ઘરમાં પણ અવનવી વાનગીઓ બનાવતી હોય છે. ગુજરાતમાં ખાસ કરીને શિયાળામાં બનતી વાનગીઓની અલગ યાદી છે અને તેમાં ઉત્તર ગુજરાતમાં લીલવાની એટલે લીલી તુવેરદાળની કચોરી, દક્ષિણ ગુજરાતમા ઉબાળીયું, પોંક, ઉંધીયું જ્યારે સૌરાષ્ટ્રમાં ઘૂંટો અને ઓળો ને રોટલા જેવી વાનગીઓ ખાસ બનતી હોય છે. આ વર્ષે એક તો જોઈએ તેટલી ઠંડી પડી નથી અને બીજું શાકભાજીની આવક મર્યાદિત રહી છે તેમ જ શાકભાજી મોંઘા મળતા હોવાથી ખાવાપીવાની મજા જોઈએ તેટલી આવી રહી નથી. આ બધા વચ્ચે ગૃહિણીઓ માટે ને ખાવાપીવાના શોખિનો માટે સારા સમાચાર છે. વર્ષ 2024 ની શરૂઆત સાથે જ શાકભાજીના ભાવ ઘટ્યા છે. તેમાં શાકભાજીની આવક શરૂ થતા ભાવમાં ઘટાડો થયો છે.
આદુના ભાવમાં પણ 5 થી 6 મહિના બાદ ઘટાડો થયો છે. 200 રૂપિયા કિલો મળતું આદું હાલ 160 રૂપિયા કિલો થયુ છે. તેમજ તુવેર 80-100 રૂપિયા કિલો સાથે જ ફ્લાવર અને કોબી 30 રૂપિયે કિલો થયા છે. લીલા મરચા 60-80 રૂપિયા કિલો અને વટાણા 30-40 રૂપિયા કિલો થયા છે. બજારમાં દેશી ટામેટાની આવક વધી છે. જેમાં 50 રૂપિયે મળતા ટામેટાના ભાવ 20-30 રૂપિયા કિલો થયા છે. ચોળી, ગવાર, ભીંડા 80 રૂ કિલો થયા છે. જોકે હજુ જોઈએ તેવો ઘટાડો આવ્યો નથી. એક સમયે શિયાળામાં શાકભાજી 20 કે 30 રૂપિયે કિલો મળતું હતું.
આ સાથે અમદાવાદીઓ માટે બીજા એક સારા ખબર એ પણ છે કે શહેરમા ઓઢવ રોડ, ચાંદખેડા, વેજલપુર વગેરે વિસ્તારોમાં નવી શાકભાજી માર્કેટ ખુલશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button