વીજ કેબલ તૂટતા ગોધરા નજીક મોટી ટ્રેન દુર્ઘટના ટળી, ગ્રામજનોની સતર્કતાએ અનેક મુસાફરોના જીવ બચાવ્યા…

પંચમહાલઃ ગોધરાના ઉદલપુર નજીક આવેલા પંડ્યાપુરા ગામ પાસેથી પસાર થતી રેલવે લાઇન પર મંગળવારે એક મોટી દુર્ઘટના ટળી હતી. અહીં રેલવેની વીજલાઈન તૂટી ગઈ હતી. દરમિયાન ત્યાં હાજર લોકોએ જેમણે લાલ કપડાં પહેર્યા હતા એ કાઢીને ઝંડી બનાવીને માલગાડીને રોકવા માટે લહેરાવી હતી. જોકે, માલગાડીની સ્પીડ વધારે હોવાથી રોકાવામાં વાર લાગી હતી. આ પહેલાં એન્જિન પર કડાકા-ભડાકા થયા હતા અને વીજલાઈન વધારે તૂટી હતી.
મળતી માહિતી મુજબ, પંડ્યાપુરામાં આવેલી ભગીરથ માઇન્સમાં કરાયેલા બ્લાસ્ટિંગને કારણે ઉછળેલા પથ્થરના ટુકડાથી રેલવેનો મુખ્ય ઓએચઈ (ઓવરહેડ ઇક્વિપમેન્ટ) વીજ કેબલ ક્ષતિગ્રસ્ત થયો હતો. કેબલની સ્ટે ટ્યુબ અને બ્રેકેટ ટ્યુબ તૂટી જતાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને એક માલગાડી થંભી ગઈ હતી.
વીજ કેબલ ક્ષતિગ્રસ્ત થવાની જાણ થતાં જ સ્થાનિક ગ્રામજનો સક્રિય થયા હતા. રેલવે લાઇન પરથી પસાર થતી માલગાડીને રોકવા માટે ગ્રામજનોએ તાત્કાલિક લાલ રંગના કપડા બતાવીને ટ્રેન રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગેનો વીડિયો પણ વાયરલ થયો છે, જે ગ્રામજનોની સમયસૂચકતા દર્શાવે છે. સદનસીબે, વીજ પુરવઠો ખોરવાતા માલગાડી સમયસર થંભી ગઈ હતી અને કોઈ જાનહાનિ થઈ ન હતી.
આ ઘટનાને પગલે સ્થાનિક ગ્રામજનોએ ભગીરથ માઇન્સની બેદરકારી પર ગંભીર આક્ષેપ કર્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ, માઇન્સ દ્વારા અવારનવાર કોઈપણ પ્રકારની સલામતીના પગલાં લીધા વિના બેફામપણે બ્લાસ્ટિંગ કરવામાં આવે છે, જેના કારણે આવી ઘટનાઓ બને છે અને લોકોના જીવ જોખમાય છે.
ઘટનાની જાણ થતાં જ રેલવેના અધિકારીઓ અને ટેકનિશિયનોની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તેઓ દ્વારા ક્ષતિગ્રસ્ત વીજ કેબલને તાત્કાલિક પૂર્વવત કરવાની અને રેલવે વ્યવહાર ફરી શરૂ કરવાની કામગીરી હાથ ધરી હતી. જોકે, આ ઘટનાને કારણે રેલવે વ્યવહાર પર અસર પડી હતી.