કડી વિધાનસભા બેઠક પર કોંગ્રેસે રમેશ ચાવડાને ટિકિટ આપી; કાલે ફોર્મ ફરે તેવી શક્યતા

અમદાવાદ: કડી વિધાનસભા બેઠક-24ની પેટાચૂંટણી માટે કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડાને ઉમેદવાર તરીકે જાહેર કરતા લાંબા સમયથી ચાલી આવતી અટકળોનો અંત આવ્યો છે. જેની જાહેરાત કોંગ્રેસ સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલે જાહેરાત કરી છે. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાત વિધાનસભાની આગામી પેટાચૂંટણી માટે 24-કડી-અનુચિત જાતિ મતવિસ્તારમાંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે રમેશ ચાવડાની ઉમેદવારીને મંજૂરી આપી છે.
રમેશ ચાવડાએ 2012ની વિધાનસભા ચૂંટણીમાં અભિનેતા હિતુ કનોડિયાને પરાજય આપ્યો હતો. જોકે, 2017ની ચૂંટણીમાં તેઓ કરસન સોલંકી સામે હારી ગયા હતા. રમેશ ચાવડા હવે આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરે તેવી શક્યતા છે.

અગાઉ રહી ચૂક્યા છે ભૂતપૂર્વ ધારાસભ્ય
અત્રે ઉલ્લેખનીય છે કે, કડી કોંગ્રેસના જાહેર થયેલા ઉમેદવાર રમેશભાઈ મગનભાઈ ચાવડા, ભૂતપૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે. રમેશ ચાવડાનું સ્થાનિક રાજકારણમાં મજબૂત પ્રભુત્વ છે. કડીના રોહિતવાસ, નવરામી ચોક, કડી પર્વતમાં રહેતા રમેશ ચાવડાએ બી.એ.એલ.એલ.બી. સુધી અભ્યાસ કર્યો છે. વ્યવસાયે તેઓ વ્યાપાર સાથે સંકળાયેલા અને કોંગ્રેસ પાર્ટીના સક્રિય નેતા છે. તેમના પત્ની હાલમાં કડી નગરપાલિકામાં નગરસેવક તરીકે સેવા આપી રહ્યા છે.
ધારાસભ્ય કરશન સોલંકીના અવસાનથી ખાલી પડી છે બેઠક
કડી બેઠક પર આમ આદમી પાર્ટીએ જગદીશ ચાવડાને ટિકિટ આપી છે. જે પણ આવતીકાલે 2જી ઓકટોબરના રોજ ફોર્મ ભરવાના છે. કડી બેઠક પર ધારાસભ્ય કરસનભાઈ સોલંકીના નિધનને કારણે ખાલી પડી હતી. જ્યારે વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીથી ચૂંટણી જીત્યા બાદ ધારાસભ્ય ભૂપત ભાયાણીના રાજીનામાંથી આ બેઠક ખાલી પડી હતી. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી જીત્યા બાદ ધારાસભ્ય પદેથી ગેનીબેન ઠાકોરે રાજીનામું આપ્યું હતુ અને ત્યારબાદ વાવ બેઠક પર પેટા ચૂંટણી યોજાઇ હતી પરંતુ વિસાવદર માટે કોર્ટ કેસ પેન્ડિંગ હોવાને કારણે ત્યાં ચૂંટણી થઈ શકી ન હતી.