Gujarat Police: ગુજરાત પોલીસ વિભાગમાં મોટા ફેરફાર, 49 PI ની બદલી અને 55 અધિકારીઓને બઢતી
ગાંધીનગરઃ ગુજરાત પોલીસ વિભાગ(Gujarat Police)માં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં 49 જેટલા પોલીસ ઇન્સ્પેકટર(PI)ની બદલી કરવામાં આવી છે ઉપરાંત, 55 જેટલા પોલીસ સબ ઇન્સ્પેકટર(PSI) અને PIને પ્રમોશન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ત્રણ પોલીસકર્મીઓને નિવૃત્ત કરી દેવામાં આવ્યા છે. અચાનક જ રાજ્ય પોલીસવડા દ્વારા કરવામાં આવેલા આ મોટા ફેરફારના આદેશના કારણે પોલીસબેડા ચર્ચા શરુ થઇ છે.
રાજ્ય પોલીસ વિભાગમાં મોટા ફેરફાર અંગે ગુરૂવારે મોડી સાંજે જાહેરાત કરવામાં આવી હતી. રાજ્યમાં 55 પીએસઆઈ અને પીઆઈના પ્રમોશન મળ્યા છે. તેમજ 49 PIના બદલીનો આદેશ આપવામાં આવ્યો છે. ડીજીપી વિકાસ સહાયે બદલી કરવામાં આવેલા તમામ પીઆઈને તાત્કાલિક પોલીસ મથકમાં હાજર થવા આદેશ કર્યો છે. આ સાથે જ ડીજીપી એક સાથે ત્રણ પીઆઈને ફરજિયાત નિવૃત્તિનો આદેશ કર્યો છે. જેમાં હથિયારી પીઆઈ એફ. એમ. કુરેશીને ફરજિયાત નિવૃત કરાયા છે. તેમજ ડી. ડી. ચાવડા અને આર. આર. બંસલને પણ ફરજિયાત નિવૃત કરવામાં આવ્યા છે.
આ ત્રણેય અધિકારીઓ સામે એન્ટી કરપ્શન બ્યુરો(ACB)ના કેસો ચાલે છે. ગુજરાતના ડીજીપી દ્વારા નિવૃતિના આદેશ આપવામાં આવેલા ત્રણેય પીઆઈની અન્ય કેટલીક ગેરરીતિ પણ સામે આવી હતી. પીઆઈ એફ. એમ. કુરેશીએ કથિત રીતે અમદાવાદના એક શખ્સને રખડતા ઢોરના મામલે કેસ કરવાની ધમકી આપી હતી, તેની પાસેથી રૂ. 20 હજારની માંગણી કરતા અંતે 10 હજારમાં મામલો સેટ કર્યો હતો. આ અંગે શખ્સે એસીબીને જાણ કરતા એસીબીએ પીઆઈને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. તેમજ જૂનાગઢ એસીબીના પીઆઈ ડી. ડી. ચાવડાને અમદાવાદ એસીબીએ રૂ. 18 લાખની લાંચ લેતા પકડ્યા છે. ગૌશાળાની અરજી મામલે લાંચનો કેસ સામે આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે એક અઠવાડિયામાં પાંચ અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કર્યા હતા.
Also Read –