નીતિન પટેલ સહિતના ભાજપના નેતાઓએ બાઝી સંભાળીઃ મહેસાણા બેંકની ચૂંટણી સમરસ
અમદાવાદઃ મહેસાણા કૉ-ઑપરેટિવ બેંકની ચૂંટણી બિનહરિફ કે સમરસ કરવામાં પૂર્વ મુખ્ય પ્રધાન નીતિન પટેલ અને અહીંના સાંસદ હરીભાઈ પટેલ સહિતના આગેવાનોને સફળતા મળી છે. મળતી માહિતી અનુસાર અહીં 8મી સપ્ટેમ્બરે યોજાનારી 17 બેઠક માટે 87 ફોર્મ ભરવામાં આવ્યા હતા. ત્યારબાદ બે-ત્રણ દિવસથી નેતાઓની સમજાવટ ચાલી રહી હતી. બેંકના ખાતાધારકો અને સમાજના હીત માટે ચૂંટણી ન યોજતા એકબીજા સાથે સમન્વય સાધી કારભાર ચલાવવામાં આવે તેવી વાત ભાજપના આગેવાનોએ ઉમેદવારો અને તેમની પેનલો સામે મૂકી હતી. જેના પરિણામરૂપે ચૂંટણી સમરસ થયાના અહેવાલો મળ્યા છે.
15 હજાર કરોડનું ટર્નઓવર ધરાવતી મલ્ટી સ્ટેટ મહેસાણા અર્બન કો-ઓપ બેંકની ચૂંટણી મામલે બુધવારે ભારે રસાકસી સર્જાઈ હતી. 97 માંથી 80 ફોર્મ પરત ખેંચાતાં તમામ 17 ડિરેક્ટરોને બિનહરીફ જાહેર કરાયા હતા. વર્તમાન શાસકોમાં કે.કે જૂથના 11 સભ્યને રિપીટ કરવામાં આવ્યા છે અને 1 નવા સભ્યને પ્રવેશ મળ્યો છે. આમ આ પેનલના 12 સભ્ય અને સામેના ડી.એમ પટેલ ગ્રુપના નવા 5 ચહેરાને સમાવી ચૂંટણી સમરસ બનાવાઇ છે.
હવે આગામી તા.10મીએ બેંકના બિનહરીફ ડિરેક્ટરોની બેઠક મળશે. જેમાં ચેરમેન નક્કી કરાશે. નોંધનીય છે કે, આ અગાઉ વર્ષ 2015ની ચૂંટણી બિનહરીફ થઇ હતી. ત્યાર પછી વર્ષ 2019માં ચૂંટણી યોજાઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પાંચ વર્ષ બાદ બેંકની ચૂંટણી ફરી સમરસ થઇ, 17 પૈકી 11 ડિરેક્ટર રિપીટ થયા છે.