Har Har Mahadev: 42 કલાક ખુલ્લુ રહેશે સોમનાથ મહાદેવ મંદિર, દર્શનાર્થીઓ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન
ગીર સોમનાથ: મહાશિવરાત્રિના (Mahashivratri 2024) પાવન પર્વને લઈને શિવભક્તોમાં અનેરો ઉત્સાહ છે. તેવામાં સૌરાષ્ટ્ર ગુજરાતના પ્રખ્યાત અને પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ મહાદેવ મંદિરને (Somnath Mahadev Mandir) લઈને શિવભક્તો માટે મહત્વના સમાચાર બહાર આવ્યા છે. મહાશિવરાત્રીના પર્વને ધ્યાનમાં રાખીને સોમનાથ મહાદેવનું મંદિર ભક્તોના દર્શન માટે 42 કલાક ખુલ્લુ રાખવામા આવશે અને વિવિધ ભક્તિ કાર્યક્રમો કરવામાં આવશે. ભાવિકોના ઘોડાપૂરને ધ્યાનમાં રાખીને સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રત્યેક મહાશિવરાત્રીની જેમ સવારે 4:00 વાગ્યે સોમનાથ મંદિર ભક્તો માટે ખોલવામાં આવશે.
સવારે 7 વાગ્યે પ્રાત: આરતી બાદ ટ્રસ્ટ દ્વારા ધ્વજ પુજા અને પાલખી પૂજા કરવામાં આવશે અને બાદમાં 9: 30 કલાકે સમગ્ર મંદીર પરિસરમાં સોમનાથ મહાદેવની પાલખી યાત્રા યોજવામાં આવશે. શ્રી સોમનાથ ટ્રસ્ટની પરંપરા અનુસાર વહેલી સવારથી જ યજ્ઞશાળામાં હોમાત્મક લઘુરુદ્ર યાગનું આયોજન કરવામાં આવશે. દર વર્ષની પરંપરા મુજબ મહાશિવરાત્રીની રાત્રિ પર ચાર પ્રહરની મહાપૂજા અને મહા આરતીનું પણ આયોજન કરાયું છે.
આ સિવાય વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન થયું છે જેમાં, સમુદ્ર કિનારે પાર્થેશ્વર મહાપુજા,જયતું સોમનાથ સંગીત નાટિકા, રૂપિયા 25 બિલ્વ પૂજા, અને ચોપાટી નજીક ભંડારા જેવા કાર્યક્રમોનું આયોજન કર્યું છે.
સમુદ્ર કિનારે પાર્થેશ્વર મહાપુજા: 08 માર્ચ 2024 ના રોજ મહાશિવરાત્રિ પર, શ્રી સોમનાથ ટ્રસ્ટ હજારો ભક્તોને પંચ મહાભૂતનો અનુભવ કરાવતા ભગવાન શિવના સૌથી પવિત્ર સ્વરૂપ પાર્થિવેશ્વર શિવલિંગની પૂજા કરશે. આ વિશેષ પૂજાનું સુંદર આયોજન મહાશિવરાત્રીના દિવસે 8 માર્ચ 2024ના રોજ સવારે 8 થી 9 દરમિયાન મારુતિ બીચ પર સોમનાથ મંદિર સંકુલ પાસે પ્રોમેનેડ વોક-વે પર કરવામાં આવશે.
જયતુ સોમનાથ સંગીત નાટિકા: પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથનો ઐતિહાસિક મહિમા ભક્તો સમક્ષ સંગીતમય શૈલીમાં રજૂ કરતા જાણીતા ગાયક હેમંત જોષી અને 100થી વધુ કલાકારો ભોળાનાથના ભજનો અને સંગીતમય આરધના સાથે જયતુ સોમનાથ સંગીત નાટિકા રજૂ કરશે. 100 થી વધુ કલાકારોના સમૂહ સાથે હેમંત જોષી દ્વારા રચિત જયતુ સોમનાથ સંગીત નાટિકા સૌપ્રથમવાર સોમનાથમાં રજૂ કરવામાં આવશે.
મહાશિવરાત્રીના પાવન અવસરે સોમનાથ મહાદેવને લાખો બિલ્વના પત્ર અર્પણ કરવાના છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવની બિલ્વ પૂજાનો લાભ દરેક ભક્તોને મળી રહે તે માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ ફરી એકવાર આ સેવા રૂ 25 બિલ્વ પૂજા સેવા. શરૂ કરી રહ્યું છે. ટ્રસ્ટ દ્વારા ગત મહાશિવરાત્રી અને શ્રાવણ 2023 થી ભક્તો માટે આ વિશેષ બિલ્વ પૂજા સેવા શરૂ કરવામાં આવી હતી.
જેમાં એક ભક્ત દ્વારા સોમનાથ મહાદેવને માત્ર 21 રૂપિયાના દાનની રકમ સાથે બિલ્વપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું. આ પૂજાને ભક્તોનો રેકોર્ડબ્રેક પ્રતિસાદ મળ્યો હતો. આ પૂજા માટે 2.50 લાખથી વધુ ભક્તોએ નોંધણી કરાવી હતી અને આ પૂજાના પ્રસાદ તરીકે રૂદ્રાક્ષ, ભસ્મ અને બિલ્વપત્ર ભક્તો દ્વારા નોંધાયેલા સરનામાં પર પોસ્ટ દ્વારા મોકલવામાં આવ્યા હતા.
ચોપાટી નજીક ભંડારા: મહાશિવરાત્રી નિમિત્તે સોમનાથ દાદાના દર્શન કરવા આવતા ભક્તો મહાદેવના આશીર્વાદ મેળવી શકે તે માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ અને ભક્ત સમૂહ દ્વારા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં ભક્તોને એક જ જગ્યાએ પૌષ્ટિક પ્રસાદ મળશે.