ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો, મહારાષ્ટ્રમાં કેવું રહેશે હવામાન; આ રાજ્યોમાં વરસાદની શક્યતા…

અમદાવાદ/નવી દિલ્હીઃ રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. જેના કારણે નાગરિકો દિવસે પણ ગરમ કપડાંમાં લપેટાઈને રહેવા મજબૂર બન્યા છે. રાજ્યમાં હાલ કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. રાજ્યમાં નલિયા ફરી એક વખત સૌથી ઠંડુ શહેર બન્યું હતું. અહીં માત્ર 6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ સિવાય કંડલામાં 7.9 ડિગ્રી, ભુજમાં 8.6 ડિગ્રી, અમરેલીમાં 9.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
રાજ્યના અન્ય શહેરોમાં રાજકોટમાં 10.3 ડિગ્રી, ડીસામાં 11.3 ડિગ્રી, મુન્દ્રમાં 12 ડિગ્રી, કેશોદમાં 11.5 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 12.5 ડિગ્રી, અમદાવાદમાં 14.8 ડિગ્રી,ગાંધીનગરમાં 13.8 ડિગ્રી, વડોદરામાં 14.2 ડિગ્રી, સુરતમાં 14.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
મહારાષ્ટ્રમાં કેવું રહેશે હવામાન
મહારાષ્ટ્રમાં શિયાળામાં હવામાનમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. આજે સવારે વાદળછાયું વાતાવરણ રહેશે અને દિવસ વધવાની સાથે હવામાન તડકાવાળું થઈ જશે. ઉત્તર મહારાષ્ટ્રમાં મકર સંક્રાંતિ સુધી હળવી ઠંડી યથાવત રહેશે. નાસિક, ધુલે, જળગાંવ અને નંદુરબાર જેવા ઉત્તર મહારાષ્ટ્રના જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન 15 થી 16 ડિગ્રીની વચ્ચે રહેવાની અને બપોરે ભેજનું પ્રમાણ ખૂબ ઓછું રહેવાના કારણે ઠંડી જળવાઈ રહેવાની શક્યતા છે. બીજી તરફ, રાયગઢ, ઠાણે, પાલઘર, રત્નાગીરી અને સિંધુદુર્ગ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન 30 થી 33 ડિગ્રીની વચ્ચે રહેશે.
દેશભરમાં કેવું રહેશે હવામાન
ભારતીય હવામાન વિભાગ મુજબ, ઉત્તર-પશ્ચિમ ભારતમાં મંગળવારે ભીષણ શીતલહેરની સાથે ગાઢથી અતિ ગાઢ ધુમ્મસ છવાયેલું રહેશે. પંજાબ અને હરિયાણામાં 13 જાન્યુઆરી માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારબાદ 17 જાન્યુઆરી સુધી યલો એલર્ટ લાગુ રહેશે. ઉત્તરી રાજસ્થાન અને હરિયાણાના ઘણા વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ રહેશે, જ્યારે દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને બિહારમાં ક્યાંક-ક્યાંક ધુમ્મસ છવાવાની શક્યતા છે. આગામી દિવસોમાં ઠંડી અને ધુમ્મસના કારણે ઠુઠવાય તેવી ઠંડી હજુ વધવાની શક્યતા છે. ઠંડીની અસર મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને મહારાષ્ટ્રના વિદર્ભ ક્ષેત્ર સુધી ફેલાઈ શકે છે. રાજસ્થાન, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશના ઘણા ભાગો જેવા કે નજીબાબાદ, મેરઠ અને મુરાદાબાદમાં પણ ગાઢ ધુમ્મસની આશંકા છે.
આ રાજ્યોમાં વરસાદની શક્યતા
ઉત્તર ભારતની ઠંડીથી વિપરીત, દક્ષિણ ભારતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે. દરિયાકાંઠાના કર્ણાટક, કેરળ, તમિલનાડુ, લક્ષદ્વીપ અને પુડુચેરીમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. મહારાષ્ટ્રના કેટલાક ભાગો, ખાસ કરીને મુંબઈની દક્ષિણમાં રાયગઢ, રત્નાગીરી અને મરાઠવાડામાં વાદળછાયું વાતાવરણ અને હળવા વરસાદની શક્યતા છે. બીજી તરફ આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં હવામાન સૂકું રહેશે.



