ગુજરાતથી વધુ એક કુંભમેળા સ્પેશિયલ ટ્રેનઃ જાણો ક્યારથી કરી શકશો બુકિંગ

પ્રયાગરાજઃ શહેરમાં યોજાયેલા મહાકુંભની સમાપ્તિ આડે હવ થોડા જ દિવસો રહી ગયા છે. ગંગા નદીમાં ડૂબકી લગાવવા કરોડો લોકો દેશ-વિદેશથી આવી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં યોજાયેલા આ મેળાનો અનુભવ લેવા હજુ ઘણા શ્રદ્ધાળુઓ ઈચ્છી રહ્યા છે, પરંતુ યોગ્ય પરિવહનના અભાવે તેઓ જઈ શક્તા નથી. ટ્રેન-બસ હાઉસફૂલ છે અને ફ્લાઈટ્સ ખૂબ જ મોંઘી છે. બીજી બાજુ ખાનગી વાહનમાં લોકો જઈ રહ્યા હોવાથી લાંબી કતારો અને ટ્રાફિક જામ છે. ત્યારે રેલવે તમારા માટે ગૂડ ન્યૂઝ લઈને આવી છે. ગુજરાતના અમદાવાદ જંકશનની સાબરમતી સ્ટેશનથી વધુ એક ખાસ ટ્રેન બનારસ સુધી દોડાવવાનો નિર્ણય રેલવેએ લીધો છે. તો જાણી લો ક્યારથી કરી શકશો બુકિંગ અવે ક્યારે કરી શકશો પ્રવાસ.
ટ્રેન નં.09453/09454 સાબરમતી-બનારસ મહાકુંભ મેળા સ્પેશિયલ (2 ટ્રિપ). ટ્રેન નંબર 09453 સાબરમતી-બનારસ મહાકુંભ મેળા સ્પેશિયલ 22 ફેબ્રુઆરી 2025ના રોજ સાબરમતી થી 11:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 16:00 કલાકે બનારસ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નં. 09454 બનારસ-સાબરમતી મહાકુંભ મેળા સ્પેશિયલ 23 ફેબ્રુઆરી 2025 ના રોજ બનારસથી 19:30 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 00:30 વાગ્યે સાબરમતી પહોંચશે.
Also read: કુંભમેળાને બદલે પ્રિયંકા ચોપરા કોની ભક્તિમાં લીન થઈ?
આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુ રોડ, પિંડવાડા, ફાલના, રાની, મારવાડ, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, દૌસા, બાંદિકુઇ, ભરતપુર, આગ્રા ફોર્ટ, ટુંડલા, ઇટાવા, ગોવિંદપુરી, ફતેહપુર, પ્રયાગરાજ અને જ્ઞાનપુર રોડ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે. ટ્રેન નંબર 09453 નું બુકિંગ 15 ફેબ્રુઆરી 2025 થી બધા પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે, તેમ રેલવેએ જણાવ્યું છે. એટલે કે આવતીકાલથી જ બુકિંગ શરૂ થઈ જશે તો સમયસર બુકિંગ કરાવી લેજો.