ભૂપેન્દ્ર પટેલ, આચાર્ય દેવવ્રત બનશે મહાકુંભમાં મહેમાન, UP સરકારના મંત્રીઓએ આપ્યું આમંત્રણ…
ગાંધીનગર: આગામી 13 જાન્યુઆરીથી પ્રારંભ થનારા મહાકુંભ મેળાની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સરકારના મંત્રીઓ દેશના જુદા જુદા રાજ્યના રાજ્યપાલો અને મુખ્ય પ્રધાનોની મુલાકાત કરીને મહાકુંભ માટે આમંત્રણ આપી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ગુજરાતના રાજ્યપાલ અને મુખ્ય પ્રધાનને આમંત્રણ પાઠવવામા આવ્યું છે.
આ પણ વાંચો : Maha Kumbh 2025 : મહાકુંભની તડામાર તૈયારીઓ, કેન્દ્ર સરકારે યુપી સરકારને ફાળવી આટલા કરોડની ગ્રાન્ટ…
આચાર્ય દેવવ્રતને આમંત્રણ
મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે મહાકુંભ 2025ની દિવ્યતા અને ભવ્યતાને પ્રોત્સાહન આપવા માટે મંત્રીઓને રાજ્યવાર પ્રવાસો કરીને આમંત્રણ આપવા જણાવ્યું છે. આથી મંત્રીઓ તેમના ફાળવવામાં આવેલા રાજ્યોમાં જઈને રાજ્યપાલ, મુખ્ય પ્રધાન અને અન્ય મહાનુભાવોને મળીને આમંત્રણ આપી રહ્યા છે. જેમાં આજે ઉત્તર પ્રદેશ સરકારના શહેરી વિકાસ મંત્રી એ.કે. શર્મા તેમજ વ્યવસાયિક શિક્ષણ અને કૌશલ્ય વર્ધન વિભાગના રાજ્ય મંત્રી કપિલ દેવ અગ્રવાલે રાજભવન, ગાંધીનગરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને આમંત્રણ પાઠવ્યું હતું.
ભુપેન્દ્ર પટેલને આમંત્રણ
આ ઉપરાંત કપિલ દેવ અગ્રવાલ અને એ.કે. શર્માએ ગુજરાતના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરીને પ્રયાગરાજમાં આગામી વર્ષે યોજાનારા મહાકુંભ 2025ના પ્રારંભ અવસરે ઉપસ્થિત રહેવાનું આમંત્રણ પાઠવ્યું હતું.
કેન્દ્રએ આપી વિશેષ ગ્રાન્ટ
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં જાન્યુઆરી મહિનામાં શરૂ થનારા વિશ્વના સૌથી મોટા સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મેળો ‘મહાકુંભ-2025′(Maha Kumbh 2025) માટે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ખૂબ જ વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે.
મહાકુંભની તૈયારીઓને લઈને કેન્દ્ર સરકાર દ્વારા વિશેષ ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી છે. ઉત્તર પ્રદેશ સરકારની માંગ પર કેન્દ્ર સરકારે 2100 કરોડ રૂપિયાની વિશેષ ગ્રાન્ટ-ઇન-એઇડ રકમ મંજૂર કરી છે અને પ્રથમ હપ્તા તરીકે 1050 કરોડ રૂપિયા મોકલ્યા છે. પ્રયાગરાજમાં 13 જાન્યુઆરી 2025 થી 26 ફેબ્રુઆરી 2025 વચ્ચે મહાકુંભનું આયોજન કરવામાં આવશે.
આ પણ વાંચો : ‘મહાકુંભ’માં ભક્તોની સુરક્ષા અને સુવિધા માટે પહેલી વખત AI & ચેટબોટ્સનો થશે ઉપયોગ
ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા કેન્દ્ર સરકારને મહા કુંભ મેળાના સુરક્ષિત આયોજન માટે ભારત સરકાર તરફથી એક વખતની વિશેષ ગ્રાન્ટ-ઇન-એઇડ તરીકે ભંડોળ મંજૂર કરવા માટે માંગ કરવામાં આવી હતી.