મહાદેવ બેટિંગ એપ્પના આરોપીને કચ્છ બોર્ડર રેન્જ પોલીસે પાટણથી ઝડપ્યો
ભુજ: સમગ્ર દેશમાં ભારે ચર્ચાનું કેન્દ્ર બનેલા મહાદેવ બેટિંગ એપ્લિકેશન સ્કેમમાં દુબઈથી ઓનલાઈન સટ્ટો રમાડતાં સૌરભ ચંદ્રાકર અને અતુલ અગ્રવાલના વોન્ટેડ એવા સ્થાનિક ભાગીદારને પાટણ ખાતેથી કચ્છ બોર્ડર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસની ટુકડીએ દબોચી લીધો છે. બંનેની ધરપકડ બાદ રોડો-અબજો રૂપિયાના હાઈપ્રોફાઈલ સ્કેન્ડલની ગુજરાતને જોડતી વધુ એક કડીનો પર્દાફાશ કર્યો છે.
પોલીસની કાર્યવાહીની માહિતી આપતા કચ્છ બોર્ડર રેન્જ આઈ.જી ચિરાગ કોરડિયાએ જણાવ્યું હતું કે મહાદેવ બેટિંગ એપ કૌભાંડના મુખ્ય આરોપીઓ એવા સૌરભ અને અતુલનો ભાગીદાર ભરત મુમજી ચૌધરી દુબઈથી વતન પાટણ આવ્યો હોવાની મળેલી સચોટ ખાનગી બાતમીના આધારે પી.આઈ એલ.પી.બોડાણાના માર્ગદર્શનમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પી.આઈ વાય.કે. ગોહિલે પાટણમાં વૉચ ગોઠવી હતી. આ બાદ કારમાં જઈ રહેલાં ભરતને ઝડપી પાડ્યો છે.
હાલ સુધીની તપાસમાં આરોપી ભરત પાસે રહેલા સ્માર્ટ ફોનમાંથી સટ્ટો રમાડવાની 23 જેટલી આઈડી મળી આવી છે. ફોનના વોટસએપ ગૃપને ચેક કરતાં તેમાંથી સૌરભ ચંદ્રાકર, અતુલ અગ્રવાલ સાથેના અબજોના રૂપિયાના હિસાબોના ચેટના આંકડા અને પૂરાવા મળી આવ્યાં છે. ચિરાગ કોરડિયાએ ઉમેર્યું હતું કે, કુલ 52, 13, 64,94, 530 કરોડ રૂપિયાના વાર્ષિક ટર્નઓવરના હિસાબ મળી આવ્યાં છે. આરોપી ભરત સાથે સૌરભ, અતુલ ઉપરાંત પાટણનો જ વતની દિલીપ માધવલાલ પ્રજાપતિ, ઝારખંડના ધનબાદનો રવિકુમાર સિંઘ તથા રોનક રમેશ પ્રજાપતિનું નામ ભાગીદાર તરીકે ખૂલ્યું છે.
આ પણ વાંચો : મહાદેવ બેટિંગ એપ કેસઃ અભિનેતા સાહિલ ખાનને પહેલી મે સુધી પોલીસ કસ્ટડી ફટકારી
ભરત સિવાયના અન્ય તમામ ભાગીદારો હાલ દુબઈ વસવાટ કરી રહ્યા છે. છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીના સમયે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ED) સૌરભ ચંદ્રાકર સાથે જોડાયેલાં અને ધરપકડ કરાયેલ એક વ્યક્તિની કબૂલાતના આધારે ઝારખંડના તત્કાલિન કોંગ્રેસી મુખ્યમંત્રી ભૂપેશ બઘેલની ચંદ્રાકર સાથે સંડોવણી અંગે સામસામી આરોપબાજી થઇ હતી જો કે પાછળથી ગંભીર આક્ષેપ કરનારો શખ્સ જ ફરી ગયો હતો.