ગોહિલવાડ પર મેઘરાજા મહેરબાન; ઘોઘામાં ધસમસતા પ્રવાહમાં તણાઇ કાર

ભાવનગર: રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર મેઘરાજા મુશળધાર મુશળધાર હેત વરસાવી રહ્યા છે. આજે ગોહિલવાડમાં વરસી રહેલા વરસાદમાં પાણીના પ્રવાહમાં કાર તણાય હતી. ભાવનગરના ઘોઘા તાલુકામાં મોરચંદ ગામ પાસે કોઝવે પરથી પસાર થતા પાણીમાં કાર તણાઇ હતી. આ દ્રશ્ય જોઇને લોકોએ ચીસાચીસ કરી મુકી હતી.
હાલ મળતી માહિતી અનુસાર કારમાં સવાર બે લોકોએ ધસમસતા પ્રવાહ વચ્ચેથી કાર પસાર કરવાની કોશિશ કરી હતી પરંતુ કોઝવે પરથી ભારે પ્રવાહ વહેતો હતો. આ પાણીના વહેણમાં કાર તણાવા લાગી હતી, જોકે કારમાં સવાર બંને લોકોએ સમય સુચકતા વાપરી ઉતરી જતા તેમનો આબાદ બચાવ થયો છે. ગામલોકો દ્વારા પાણીના વહેણમાં તણાયેલી કારને પણ સલામત રેસ્ક્યુ કરી લેવામાં આવી છે. ઉપરવાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતાં નદીમાં ભારે પુર આવતા કોઝવે પરથી પાણી વહી રહ્યા છે.
આ સાથે સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ સહિતના જિલ્લામાં સારો વરસાદ પડીઓ રહ્યો છે. અમરેલીના વડીયા અને કુંકાવાવ તાલુકાના ગામડાઓમાં વરસાદ પડી રહ્યો છે. વડીયા તાલુકાના દેવળકી, બાવળ બરવાળા, ખાન ખીજડીયા, ઉજળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સારો એવો વરસાદ પડ્યો છે. આ સાથે જ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો.
આજે ગુજરાતમાં સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં રાજ્યના 90 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે . સુરત સીટી અને ગ્રામ્ય બન્નેમાં આજે વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો હતો.. સુરતના કામરેજમાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. આણંદના બોરસદમાં આજે મેઘરાજા મન મુકીને વરસ્યા હતા અને 3 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. ઉપલેટામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. અમરેલી જિલ્લાના ખાંભામાં લગભગ 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. નવસારી જિલ્લાના જલાલપોરમાં અંદાજે 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.