ગુજરાતના સિંહો ગીરમાં જ રહેશે: મધ્યપ્રદેશના ‘કુનો લાયન પાર્ક’નો પ્રોજેક્ટ રદ…

અમદાવાદઃ મધ્યપ્રદેશ સરકારે ગુજરાતના ગીરના સિંહોને મધ્યપ્રદેશના કુનો જંગલમાં લાવવા માટે લાયન પાર્ક પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. જો કે હવે મધ્યપ્રદેશ સરકારે પોતાનો પ્રોજેક્ટ પડતો મૂકતા ગુજરાતના સિંહ હવે મધ્યપ્રદેશ મોકલવામાં આવશે નહીં.
વન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક વર્ષથી ગુજરાતના સિંહોને કુનોમાં મોકલીને ત્યાં લાયન પાર્ક બનાવવા માટેની યોજના ચાલતી હતી. આ યોજના અગાઉ કાયદાકીય અડચણો અને રાજકીય વિવાદોને કારણે વિલંબમાં રહી હતી.
વર્ષ ૨૦૦૮માં તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના ગીરના સિંહોને મધ્યપ્રદેશમાં આપવાની પ્રક્રિયા શરૂ કરી હતી. મધ્યપ્રદેશ દ્વારા લાયન પાર્ક પ્રોજેક્ટને સફળ બનાવવા માટે ઘણા પ્રયાસો કરવામાં આવ્યા હતા.
પરંતુ કુનોના જંગલોમાં ભેજવાળું વાતાવરણ અને પર્યાવરણના અસુવિધાજનક માહોલને કારણે સિંહોનો વસવાટ અઘરી સ્થિતિમાં હોવાનું તારણ વન વિભાગે કાઢ્યું હતું. ગુજરાતના ગીરના સૂકાં અને ગાઢ જંગલની તુલનામાં, કુનોના વાતાવરણમાં સિંહોને યોગ્ય જીવસહાય મળવી મુશ્કેલ હોવાનું જાણવા મળ્યું હતું.
વન વિભાગે વધુમાં જણાવ્યું હતું કે, ‘ગીરના સિંહને કુનોમાં ખસેડવા યોગ્ય પર્યાવરણીય માહોલ ન હોવાને કારણે આ નિર્ણય લેવાયો છે.’ પ્રકાશિત માહિતી અનુસાર, આ પ્રોજેક્ટના પડતા પડવાથી ગુજરાત ટૂરિઝમ અને સ્થાનિક પર્યાવરણ સંરક્ષણ બંને ક્ષેત્રમાં અસર પડશે.
આ પણ વાંચો…એક દંતકથાનો અંત! ગીરના સિંહો જય અને વીરુનું મોત, વડાપ્રધાન મોદી પણ ચાહક હતાં…
ગીરના સિંહ ગુજરાત માટે માત્ર પર્યાવરણનું જ નહીં, પરંતુ રાજ્યના પર્યટન અને સામાજિક શાનનું પણ એક મુખ્ય પ્રતિક છે.
જ્યારે મધ્યપ્રદેશે ગુજરાતના સિંહોને પોતાના જંગલમાં લાવવા પ્રયાસો કર્યા હતા, ત્યારે પ્રોજેક્ટના અમલીકરણમાં વાતાવરણ અને પર્યાવરણની અડચણો પણ પ્રકાશમાં આવી હતી, વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, ગીરના સિંહને સુરક્ષિત અને તેમના સ્વાભાવિક પર્યાવરણમાં જ રાખવું શ્રેષ્ઠ છે.
ઉલ્લેખનીય છે કે મે મહિનામાં રાજ્યમાં 16માં સિંહ વસ્તી ગણતરીના આંકડા સરકારે જાહેર કર્યા હતા. રાજ્યમાં 891 સિંહ નોંધાયા હતા. 5 વર્ષમાં સિંહોની વસ્તીમાં 32 ટકાનો વધારો થયો છે જેમાં 196 નર સિંહ અને 330 માદા સિંહનો સમાવેશ થાય છે, તો બીજી તરફ 140 પાઠડા અને 225 બાળ સિંહો હતા. વર્ષ 2020ની ગણતરી વખતે 674 સિંહ નોંધાયા હતા.