
વડોદરાઃ ગુજરાત હાઈ કોર્ટે (Gujarat high court) ભૂતપૂર્વ ક્રિકેટર અને પશ્ચિમ બંગાળના તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી)ના સંસદસભ્ય યુસુફ પઠાણને વડોદરામાં સરકારી જમીન પર અતિક્રમણ કરનાર તરીકે જાહેર કર્યો છે. સરકારે આ વિવાદાસ્પદ જમીન ખાલી કરવાનો તેને આદેશ આપવાની સાથે જણાવ્યું છે કે સેલિબ્રિટીઝ પણ કાયદાથી પર ન રહી શકે અને તેમને જો કોઈ પ્રકારની મુક્તિ આપીએ તો ખોટો ચીલો પડી જાય.
જસ્ટિસ મોના ભટ્ટના અધ્યક્ષસ્થાનમાં એકમાત્ર જજની બેન્ચે ફેંસલો જાહેર કર્યો હતો જેમાં તેમણે યુસુફ પઠાણની પિટિશન ફગાવી દીધી હતી. પઠાણે વિનંતી કરી હતી કે તેને વડોદરાના તાંદળજા વિસ્તારમાં પોતાના બંગલા (Bungalow)ની નજીકના પ્લૉટ (plot) પરનો અંકુશ જાળવી રાખવાની છૂટ આપવામાં આવે.
અદાલતે શું ટકોર કરી?
જોકે ગુજરાત વડી અદાલતે સર્વોચ્ચ અદાલતના સિદ્ધાંતોનો ઉલ્લેખ કરવાની સાથે ભારપૂર્વક જણાવ્યું હતું કે કાનૂની બાબતોમાં જો જાહેર જનતામાં હસ્તી તરીકેની છાપ ધરાવતી વ્યક્તિઓને મુક્તિ આપીએ તો સમાજમાં ખોટો સંદેશ જાય અને કાયદાનું અવમૂલ્યન પણ થયું કહેવાય. હાઈ કોર્ટના આદેશનામામાં જણાવાયું હતું કે ` રાષ્ટ્રીય પ્રતિનિધિ તરીકે તેમ જ જાહેર જનતામાં નામાંકિત હોવા તરીકે કાયદાને અનુસરવાની પઠાણની જવાબદારી બને છે. સેલિબ્રિટીઝ મોટું નામ અને લોકપ્રિયતા ધરાવતા હોવાથી જનતાના વર્તન અને સામાજિક મૂલ્યો પર તેમની ઘણી અસર પડતી હોય છે. આવી વ્યક્તિઓ કાયદાનો ભંગ કરે એમ છતાં તેમને જો છૂટછાટો આપવામાં આવે તો સમાજમાં ખોટો મૅસેજ જાય અને ન્યાયતંત્ર પર જનતાનો જે ભરોસો હોય એને પણ માઠી અસર પહોંચે.
યુસુફ 2008થી લોકપ્રિય છે
યુસુફ પઠાણ 2007ના ટી-20 વર્લ્ડ કપ ઉપરાંત 2008ની સાલમાં રમાયેલી પ્રથમ આઇપીએલથી ભારતીય ક્રિકેટમાં લોકપ્રિય છે. ત્યારે તે રાજસ્થાન રૉયલ્સની ટીમમાં હતો અને તેના 56 રન તથા ત્રણ વિકેટની મદદથી રાજસ્થાને એ વર્ષની આઇપીએલની ચેન્નઈ સામેની ફાઇનલ જીતીને સૌપ્રથમ ટાઇટલ મેળવી લીધું હતું. યુસુફ પઠાણે મૅન ઑફ ધ ફાઇનલનો પુરસ્કાર જીતી લીધો હતો. ત્યાર બાદ તેને ભારતની વન-ડે ટીમમાં પણ સ્થાન મળ્યું હતું.
નોટિસ છતાં જમીન ખાલી ન કરી
2012માં યુસુફ પઠાણે વડોદરામાં સરકારી જમીન પર કબજો કર્યો હતો. ત્યારથી આ જમીનનો વિવાદ શરૂ થયો હતો. વડોદરા મહાનગર પાલિકાએ ત્યારે તેને આ જમીન ખાલી કરવા નોટિસ મોકલી હતી, પરંતુ તેણે ખાલી નહોતી કરી. ઊલટાનું, પઠાણે એ નોટિસને પડકારી હતી અને ગુજરાત હાઈ કોર્ટનો સંપર્ક કર્યો હતો. જોકે અદાલતે ઠરાવ્યું હતું કે તેણે અનધિકૃત રીતે આ પ્લૉટ પર કબજો કરી રાખ્યો છે.
પઠાણ બંધુઓની શું માગણી હતી?
યુસુફ પઠાણે પિટિશનમાં જણાવ્યું હતું કે ` મને અને મારા નાના ભાઈ ઇરફાન પઠાણને આ પ્લૉટ ખરીદી લેવાની છૂટ મળવી જોઈએ કે જેથી અમારા પરિવારની સલામતી રહે. હું આ બાબતમાં રાજ્યના મુખ્ય પ્રધાનને પણ વિનંતી કરું છું. મારું કહેવું એ છે કે હું અને મારો ભાઈ ઇરફાન પઠાણ આંતરરાષ્ટ્રીય ખેલકૂદ સ્તરે જાણીતી હસ્તીઓ છીએ અને અમારા પરિવારની સલામતી ધ્યાનમાં લેતાં અમે વિનંતી કરીએ છીએ કે આ જમીન અમને ફાળવવામાં આવે.’
દરખાસ્ત ફગાવાઈ છતાં જમીન ન છોડી
વડોદરા મહાનગર પાલિકાએ યુસુફ પઠાણની વિનંતીનું અવલોકન કર્યું હતું અને એ રિકવેસ્ટ રાજ્ય સરકાર સુધી પહોંચાડી હતી. જોકે રાજ્ય સરકારે છેવટે 2014માં એ દરખાસ્ત નકારી કાઢી હતી. સત્તાવાર રીતે દરખાસ્ત નકારાઈ હોવા છતાં યુસુફ પઠાણે જમીન પરનો કબજો નહોતો છોડ્યો જેને પગલે વધુ કાનૂની પ્રક્રિયાઓ થઈ હતી અને અંતે હાઈ કોર્ટે હવે આદેશ બહાર પાડવો પડ્યો છે.
આ પણ વાંચો…મમતા બેનર્જીની ટીએમસીની સ્પષ્ટતા, યુસુફ પઠાણ સહિત કોઇપણ સાંસદ પ્રતિનિધિમંડળમાં સામેલ નહિ થાય