જન્મદિવસે જ જુવાનજોધ દિકરાનું બેફામ ટ્રકની ટક્કરથી મૃત્યુ, વડોદરામાં તહેવાર ટાણે જ કરુણાંતિકા | મુંબઈ સમાચાર
વડોદરા

જન્મદિવસે જ જુવાનજોધ દિકરાનું બેફામ ટ્રકની ટક્કરથી મૃત્યુ, વડોદરામાં તહેવાર ટાણે જ કરુણાંતિકા

વડોદરા: ગુજરાતની સંસ્કારી નગરી વડોદરામાં તહેવાર ટાણે જ જુવાનજોધ દીકરાનું માર્ગ અકસ્માતમાં મોત થવાથી તહેવાર ટાણે જ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. શહેરના અકોટા વિસ્તારમાં ગતરોજ રાત્રે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં ૧૮ વર્ષીય યુવાનનું કરૂણ મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે તેનો મિત્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. અકસ્માતનો ભોગ બનેલો યુવાન તેના જન્મદિવસની ઉજવણી બાદ મિત્રો સાથે શહેરની લાઈટિંગ જોવા નીકળ્યો હતો.

મળતી માહિતી મુજબ, તરસાલી વિસ્તારમાં રહેતા દિનેશભાઈ હસમુખભાઈ પટેલ (ઉ.વ. ૫૨)એ ફરિયાદ નોંધાવી છે કે ગતરોજ, તા. ૧૮/૧૦/૨૦૨૫ ના રોજ તેમનો પુત્ર ધિર (ઉ.વ. ૧૮) મિત્રો સાથે પોતાનો જન્મદિવસ ઉજવવા નીકળ્યો હતો. ધિર અને ગૌતમ કમલેશભાઈ બારીયા (ઇજાગ્રસ્ત) ગૌતમની એક્સેસ ટુ-વ્હીલર પર સવાર હતા. સુશેન ચાર રસ્તા ખાતે જમીને તેઓ શહેરમાં લગાડેલ લાઇટિંગ-શો જોવા માટે નીકળ્યા હતા. રાત્રે આશરે ૧૦:૩૦ વાગ્યાના સુમારે, જ્યારે તેઓ અકોટા સોલાર પેનલથી આગળ અકોટા તરફ બ્રિજના ઉતરતા છેડા પાસે પહોંચ્યા હતા, ત્યારે તેમની પાછળ આવી રહેલા ટ્રક ચાલકે તેની ટ્રક બેફામ અને પુરપાટ ઝડપે ચલાવી, ટુ-વ્હીલરને પાછળથી જોરદાર ટક્કર મારી હતી.

ટ્રકની ટક્કરથી ધિર અને ગૌતમ બંને નીચે પટકાયા હતા. આ અકસ્માતમાં ધિરને માથાના ભાગે ગંભીર ઈજા થઈ અને વધુ પડતું લોહી વહેવા લાગ્યું હતું. ધિરને તાત્કાલિક એસ.એસ.જી. હોસ્પિટલ લઈ જવાયો, પરંતુ ત્યાંથી તેને વધુ સારવાર માટે માંજલપુર ખાતે આવેલ સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ હોસ્પિટલમાં ફરજ પરના તબીબે ધિરને મૃત જાહેર કર્યો હતો. અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા ગૌતમ બારીયાને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયો હતો, જ્યાં તેને પણ માથાના ભાગે ઈજા પહોંચી છે.

ફરિયાદી દિનેશભાઈ પટેલે જણાવ્યું કે ટ્રક ચાલક ગંભીર અકસ્માત સર્જીને સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. તેમણે બેફામ ટ્રક ચલાવી, તેમના પુત્રને ગંભીર ઈજા પહોંચાડી મૃત્યુ નીપજાવનાર ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે આગળની તપાસ હાથ ધરી છે.

આપણ વાંચો:  10 વર્ષનું દર્દ ભૂલી ધનતેરસે દિવાળી માણી: હિંમતનગરના શેરડી ટીંબા ગામે પીડિત પરિવારની ‘ઘરવાપસી’…

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button