ગંભીરા પુલ તૂટ્યા પછી તંત્ર જાગ્યુંઃ વડોદરાના પુલો પરથી હટાવ્યું 4,695 ટન વધારાનું વજન!
વડોદરા

ગંભીરા પુલ તૂટ્યા પછી તંત્ર જાગ્યુંઃ વડોદરાના પુલો પરથી હટાવ્યું 4,695 ટન વધારાનું વજન!

વડોદરા: રાજ્યમાં ચોમાસાની ઋતુમાં બિસ્માર બનેલા માર્ગની કામગીરી ચાલી રહે છે, તો બીજી તરફ ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સરકાર બ્રિજની ચકાસણી કરીને તેની પરિસ્થિતિનો તાગ મેળવી રહી છે. આ દરમિયાન વડોદરા શહેરમાં વિવિધ માર્ગો ઉપર પડેલા ખાડાઓને દુરસ્ત કરવા માટે ચાલી રહેલી કામગીરીનું મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ તથા નાયબ મ્યુનિસિપલ કમિશનર ગંગા સિંઘે નિરીક્ષણ કર્યું હતું. વડોદરા મહાનગરપાલિકાના અન્ય અધિકારીઓની ટીમ સાથે તેમણે હોટ મિક્સ પ્લાન્ટની મુલાકાત પણ લીધી હતી.

4695 મેટ્રિક ટન જેટલું ‘ડેડ વેઇટ’ હટાવાયું
વડોદરા મહાપાલિકા દ્વારા ત્રણ મહત્વના પૂલ ઉપરથી બિનજરૂરી ભારણ દૂર કરવાની પણ કાર્યવાહી કરવામાં આવી હતી. જેને ‘ડેડ વેઇટ’ કહેવામાં આવે છે. વડસર, ફતેગંજ અને લાલબાગ બ્રિજ ઉપરથી ડામરના રોડ સહિતનો ‘ડેઇટ વેઇટ’ દૂર કરવામાં આવ્યો હતો. આ ડેડ વેઇટનું વજન અંદાજે 4695 મેટ્રિક ટન જેટલું થવા જાય છે.

ચોમાસા દરમિયાન શહેરના મુખ્ય માર્ગો ઉપર પડેલા ખાડાઓ પૂરવા માટે ડામર અને કપચીનું હોટ મિક્સ બનાવવા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્લાન્ટનું સંચાલન કરવામાં આવી છે. અહીંથી જ સમગ્ર શહેરમાં હોટ મિક્સ સપ્લાય કરવામાં આવી છે.

અટલાદરા સ્થિત આ હોટમિક્સ પ્લાન્ટ ૪૦ ટન પ્રતિ કલાક ક્ષમતા ધરાવે છે. જ્યાંથી પ્રતિદિન આશરે ૩૫૦ ટન મટીરીયલ વોર્ડનાં અલગ અલગ વિસ્તારોમાં જરૂરિયાત મુજબ આપવામાં આવે છે. અહીં વેઇટ કેલિબ્રેશન સહિતની બાબતનું નિરીક્ષણ ઉક્ત બન્ને અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.

મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે, મુજપુર ગંભીરા પૂલ દુર્ઘટના બાદ વડોદરા શહેરના 43 બ્રિજનું થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું અને તેમાંથી બે બ્રિજનો ઉપયોગ પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. 43 બ્રિજ પૈકી બાકીના 41 બ્રિજ પરિવહન માટે સલામત હોવાનો દાવો મનપા દ્વારા કરવામાં આવ્યો હતો. ભારે વાહનોના નિયંત્રણ આરટીઓ અને શહેર પોલીસ સાથે સંકલન કરવામાં આવ્યું છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button