વડોદરાવાસીઓમાં ફફડાટ: વિશ્વામિત્રીના પાણી શહેરમાં પ્રવેશ્યા

વડોદરાઃ ગુજરાતમાં ચોમાસાના નવા રાઉન્ડે જમાવટ કરી છે. આ દરમિયાન વડોદરાની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી ફરી એકવાર વડોદરાવાસીઓ માટે ચિંતાનો વિષય બની છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે વિશ્વામિત્રી નદીમાં પાણીનું સ્તર ભયજનક સપાટી વટાવી ગયું છે અને નદીનાં પાણી નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસવા લાગ્યા છે, જેના કારણે લોકોની મુશ્કેલી વધી છે. વહીવટી તંત્ર દ્વારા નદી કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને એલર્ટ રહેવા અને સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી છે. આગામી સમયમાં જો વરસાદનું જોર યથાવત રહેશે તો સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે નદીનું જળસ્તર મેઇન્ટેન કરવા માટે પાણી છોડાઇ રહ્યું છે. જેથી વિશ્વામિત્રીનું સ્તર 20 ફૂટે પહોંચી શકે તેમ છે. ગયા ચોમાસામાં વિશ્વામિત્રીમાં ત્રણ વખત ભારે પૂર આવ્યું હતું જેના કારણે અનેક વિસ્તારો જળબંબાકાર બની ગયા હતા અને લોકોને કરોડો રુપિયાનું નુકશાન પણ થયું હતું. તેને ધ્યાનમાં રાખીને સરકાર અને કોર્પોરેશને વિસ્વામિત્રી પ્રોજેક્ટ શરુ કર્યો હતો અને તે અંતર્ગત નદીને પહોળીને ઉંડી કરાઇ હતી પણ જે રીતે વિશ્વામિત્રીમાં સતત પાણી છોડાઇ રહ્યું છે તે જોતા લોકોની સાથે સાથે કોર્પોરેશન તંત્રની પણ અગ્નિપરિક્ષા છે.
આ પણ વાંચો: વડોદરાનું આજવા સરોવર છલકાયું, 1100 ક્યુસેક પાણી વિશ્વામિત્રીમાં છોડાયું
આ દરમિયાન રાજ્યમાં અત્યંત ભારે વરસાદની આગાહીને ધ્યાને લઇ મુખ્ય સચિવ પંકજ જોષીના અધ્યક્ષ સ્થાને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિ તેમજ રાહત કમિશનર અલોકકુમાર પાંડે ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયેલા વિવિધ જિલ્લા કલેકટરોને મુખ્ય સચિવેઆગાહીને ધ્યાને રાખીને સંભવિત જોખમ સામે એલર્ટ રહેવા સૂચના આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 98 ટકા નોંધાયો છે. સંભવિત વરસાદની પરિસ્થિતિને ધ્યાને રાખીને કોઇપણ કટોકટીને પહોંચી વળવા રાજ્યના વિવિધ જિલ્લામાં 12 NDRF અને 20 SDRFની ટીમો ડીપ્લોય કરવામાં આવી છે. જ્યારે, એક NDRFની ટીમને વડોદરા ખાતે રીઝર્વ રાખવામાં આવી છે.