વડોદરા

વડોદરાની વિશ્વામિત્રીમાં મગરોનું સામ્રાજ્ય, 25 કિમીના વિસ્તારમાં નોંધાયા 417 મગર

વડોદરાઃ ચોમાસામાં પૂર વખતે શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાંથી મગરો બહાર આવીને આસપાસના વિસ્તારોમાં પહોંચી જાય છે. આ સિવાય પણ કયારેક મગર શહેરમાં જોવા મળે છે. વિશ્વામિત્રી નદીના 25 કિલોમીટરના પટમાં હાથ ધરવામાં આવેલી તાજેતરની મગરની વસ્તી ગણતરીના પ્રાથમિક તારણો મુજબ અંદાજે 417 મગર નોંધાયા હતા. આ વસ્તી ગણતરી 7 ફેબ્રુઆરી, 2026 ના રોજ નદીના 25 કિમીના પટને 10 ઝોનમાં વહેંચીને કરવામાં આવી હતી. ઝૂલોજી ડિપાર્ટમેન્ટ, એનજીઓ અને વન વિભાગ દ્વારા સંયુક્ત રીતે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

કેવી રીતે કરવામાં આવી મગરની ગણતરી

આ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે, ઝૂલોજી ડિપાર્ટમેન્ટ, વન વિભાગ અને એનજીઓના સ્વયંસેવકોએ આ ગણતરી પ્રક્રિયામાં ભાગ લીધો હતો. આ વસ્તી ગણતરી સવારે 9 થી 11 અને ફરીથી રાત્રે 8 થી 10 દરમિયાન કરવામાં આવી હતી. દિવસ દરમિયાન મગરોની ગણતરી સીધા નિરીક્ષણ પદ્ધતિથી કરવામાં આવી હતી, જ્યારે રાત્રે તેમની આંખોની ચમકના આધારે ઓળખ કરવામાં આવી હતી.

આ વિસ્તારમાં છે સૌથી વધુ મગર

પ્રાથમિક અહેવાલ મુજબ, નદીના 25 કિલોમીટરના પટમાં 417 મગર વસવાટ કરે છે. સૌથી વધુ મગરોની સંખ્યા કાલાઘોડા અને નરહરિ હોસ્પિટલ વચ્ચેના પટમાં નોંધાઈ હતી. આ વિસ્તારમાં 103 મગર નોંધાયા હતા. ડેટાનું વિશ્લેષણ હજુ ચાલુ છે અને અંતિમ અહેવાલ આવવાનો બાકી છે.

વિશ્વામિત્રી નદીમાં મગરોની સંખ્યા 2020માં 212 નોંધાઈ હતી, જે 2025માં વધીને 447 થઈ હતી અને હવે તાજેતરની પ્રાથમિક ગણતરી મુજબ તે 417 છે. જોકે સાચો આંકડો પૂરો રિપોર્ટ આવ્યા બાદ જ જાહેર થશે.

મગરનું યોજાયું હતું બેસણું

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે એપ્રિલમાં વિશ્વામિત્રીમાં નદીમાં રહેતા 10 ફૂટના મગરનું મોત થતાં મગરપ્રેમીઓ શહેરમાં વિશ્વામિત્રી નદીના ઘાટ પર એક્ત્ર થયા હતા અને બેસણું (શ્રદ્ધાંજલિ સભા) રાખ્યું હતું. શહેરમાં સરિસૃપના સંરક્ષણ માટે કામ કરતા વન્યજીવન પ્રેમીએ જણાવ્યું કે, મગરો આપણા શહેરનો એક અભિન્ન ભાગ રહ્યા છે. અમે અમારા પરિવારની જેમ જ તેમની સંભાળ રાખીએ છીએ. તેથી અમે તેમના આત્માને શાંતિ મળે તે માટે શોક સભાનું આયોજન કરવાનું નક્કી કર્યું હતું.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button