વડોદરાના રોડ પર ફરતા મગરનો વિડીયો વાઈરલ, વન વિભાગે રેસ્ક્યુ કરી નદીમાં મુક્યો

વડોદરા : ગુજરાતના વડોદરાના રોડ પર ફરતા મગરના વિડીયોએ ફરી એક વાર લોકોમાં ભય પેદા કર્યો છે. આ ઘટના શુક્રવાર રાત્રે 10 વાગ્યે આસપાસની હોવાની માનવામાં આવી છે. આ વિડીયોમાં આઠ ફૂટ લાંબો મગર રોડ પર ફરતો નજરે પડ્યો હતો. આ ઘટના નરહરી બ્રિજ નજીક બની હતી. માનવામાં આવે છે કે વિશ્વામિત્રી નદીમાંથી આ મગર રોડ પર આવ્યો હશે. જેને જોવા માટે લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા.
વન વિભાગે રેસ્ક્યુ કરીને નદીમાં પરત મુક્યો
વડોદરા શહેરમાં મગર રોડ પર આવતા વાહન ચાલકોએ વાહન રોકીને વિડીયો બનાવ્યા હતા. તેમજ આ વિડીયો સોશિયલ મીડિયા પર વાઈરલ પણ થઈ રહ્યો છે. જોકે, આ અંગે વન વિભાગને સુચના મળતા જ અધિકારીઓએ મગરને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરીને નદીમાં પરત મુક્યો હતો. આ દરમિયાન કોઈપણ દુર્ઘટનાની માહિતી નથી. જયારે વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે વરસાદ દરમિયાન મગરો નદીમાંથી બહાર નીકળે છે. અમારી ટીમ આ સ્થિતિ પર સતત નજર રાખી રહી છે. તેમજ લોકોને અપીલ કરીએ છે કે આવી સ્થિતિના ગભરાય નહી અને વન વિભાગને જાણ કરવામાં આવે.
વિશ્વામિત્રી નદી મગરોનું ઘર
ઉલ્લેખનીય છે કે, વડોદરાની વિશ્વામિત્રી નદીએ મગરોનું ઘર માનવામાં આવે છે. એક અનુમાન મુજબ તેમાં 1000 થી પણ વધારે મગર વસવાટ કરે છે. તેમજ વરસાદમાં મગર સામાન્ય રીતે નદીની બહાર આવતા હોય છે. જે રોડ પર કે આસપાસની સોસાયટીમાં જોવા મળે છે.